નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગે સામાન્ય ચૂંટણીમાં મોટી જીત હાંસલ કરી છે. આ વચ્ચે ચૂંટણી દરમિયાન થયેલી રાજકીય હિંસામાં દેશભરમાં 17 લોકોના મોત થયા હતા. અવામી લીગે બાંગ્લાદેશના જનરલ ઈલેક્શનમાં સતત ત્રીજી વખત જીત મેળવી લીધી છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે હસીનાની અવામી લીગે 300માંથી 260 સીટ પર જીત મેળવી લીધી છે. તેમની મુખ્ય સહયોગી પાર્ટી જતિયા પાર્ટીને 21 સીટો મળી છે. પ્રમુખ વિપક્ષી દળ નેશનલ યૂનિટી ફ્રન્ટ (એનયુએફ) અને તેની સહયોગી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ને માત્ર 7 સીટો મળી છે.


મીડિયા રિપોટ્સ પ્રમાણે, અવામી લીગના નેતૃત્વમાં બનેલા ગઠબંધને 300માંથી 266 બેઠકો પર જીત હાંસલ કરી છે. બે બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. જ્યારે એક બેઠક પર ઉમેદવારનું મોત થવાના કારણે ચૂંટણી થઇ શકી નહોતી. બાંગ્લાદેશ ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, હસીનાને તેમની બેઠક દક્ષિણ પશ્વિમી ગોપાલગંજમાં 2,29,539 મતો મળ્યા હતા. જ્યારે તેમના હરિફ બીએનપી ઉમેદવારને ફક્ત 123 મત મળ્યા હતા.

બાંગ્લાદેશની વિપક્ષ પાર્ટી એનયુએફ ગઠબંધને ચૂંટણીના પરિણામો માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે તટસ્થ સરકારના નેતૃત્વમાં ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. એનયુએફ અનેક પાર્ટીઓનું ગઠબંધન છે જેમાં બીએનપી, ગોનો ફોરમ, જાતિય સમાજતાંત્રિક દળ, નાગોરિક ઓઇક્યા અને કૃષક શ્રમિક જનતા લીગ સામેલ છે.