Pakistan Army Offer To Imran Khan: પાકિસ્તાનમાં ઈમરાન ખાન અને સરકાર વચ્ચે તણાવ વધી રહ્યો છે. અલ કાદિર ટ્રસ્ટ કેસમાં 9 મેના રોજ ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બે દિવસ પછી તેમને જામીન મળી ગયા હતા. ઈમરાન ખાનની ધરપકડ બાદ પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન સેના પર નિશાન સાધ્યું હતું, જેના કારણે સેના ગુસ્સે થઈ ગઈ હતી. પ્રદર્શનકારીઓ સામે આર્મી એક્ટ હેઠળ કેસ દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ ઈમરાન ખાનને ઓફર કરી છે.


પાકિસ્તાની સેનાએ પૂર્વ વડાપ્રધાન  ઈમરાન ખાનને પાકિસ્તાન છોડવાની ઓફર કરી છે અને કહ્યું છે કે નહીં તો તેઓ આર્મી એક્ટનો સામનો કરવા તૈયાર રહે. સેના દ્વારા ઈમરાન ખાનને દુબઈ અને લંડન જવાની ઓફર કરવામાં આવી છે. દેશની સેનાએ કહ્યું કે જો ઈમરાન પાકિસ્તાન છોડી દેશે તો સેના તેની સામે કોઈ કેસ નહીં કરે.


ઈમરાન ખાને આ ઓફર ઠુકરાવી દીધી


પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ ચીફ ઇમરાન ખાને પાકિસ્તાની સેના દ્વારા આપવામાં આવેલી ઓફર સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપતાં કહ્યું કે ગમે તે થાય, તેઓ પાકિસ્તાન નહીં છોડે.


આ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ઈમરાન ખાનના સમર્થકોને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે જો 9 મેના કૃત્યનું પુનરાવર્તન થશે તો અમે સહન નહીં કરીએ. તેમણે આ નિવેદન સિયાલકોટ ગેરિસનની મુલાકાત દરમિયાન આપ્યું હતું, જ્યાં તેઓ શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવા ગયા હતા.


આર્મી એક્ટ હેઠળ કેસ ચલાવવાની પરવાનગી


પાકિસ્તાનમાં બે દિવસ પહેલા ધરપકડ કરાયેલા દેખાવકારો પર આર્મી એક્ટ હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. દેશના કોઈપણ આંતરિક મામલામાં સેનાની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. પાકિસ્તાન સેનાએ સરકારને આર્મી એક્ટ લાગુ કરવાનું કહ્યું હતું. આર્મી એક્ટને ઓફિશિયલ સિક્રેટ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મદદથી સેના તેના તરફથી ધરપકડ કરાયેલા ગુનેગારોને ગંભીર સજા આપી શકે છે. આ અંતર્ગત પૂર્વ પીએમ ઈમરાન અને તેમના કાર્યકર્તાઓ પર ગંભીર આરોપ લગાવીને આજીવન કેદથી લઈને મૃત્યુદંડની સજા થઈ શકે છે.