પાકિસ્તાનમાં વધી રહેલા આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાન સેનાએ પોતાના ટોચના કમાન્ડરો સાથે બેઠક બોલાવતા દેશમાં કંઈક મોટી નવાજુની થવાના એંધાણ ઉભા થયા છે. આ બેઠકમાં દેશની નબળી અર્થવ્યવસ્થા અને અસ્થિર રાજકીય સંકટ ઉપરાંત સેનાના બજેટમાં સંભવિત કાપની અટકળો પર ચર્ચા થાય તેવી શક્યતા છે. પાકિસ્તાની સેના એ વાતને લઈને ભારોભાર રોષે ભરાઈ છે કે, પાકિસ્તાન સરકાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી બેલઆઉટ પેકેજ મેળવવા માટે સૈન્ય બજેટમાં કાપ મૂકવાની યોજના બનાવી રહી છે. આ સ્થિતિમાં પાકિસ્તાનમાં સૈન્ય બળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક નિષ્ણાતોએ એ પણ ધ્યાન દોર્યું છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે વધતો સંઘર્ષ હવે સૈન્યની આગેવાની હેઠળના ઉકેલ તરફ આગળ વધી રહ્યો છે. જો આમ થશે તો પાકિસ્તાનમાં સેના ચોથી વખત સત્તામાં આવશે.


પાકિસ્તાન એક સાથે અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલું


ફાયનાન્સિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન દર થોડાક વર્ષે આર્થિક સંકટમાં ફસાઈ જાય છે. પરંતુ, રિપોર્ટ દર્શાવે છે કે, આ વખતે આર્થિક સંકટ ખૂબ જ ગંભીર છે. પાકિસ્તાન આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યું છે અને તે અત્યાર સુધીના સૌથી ખરાબ રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા સહિત ઘણા વિસ્તારોમાં આતંકવાદીઓની પકડ ખૂબ જ મજબૂત બની ગઈ છે. પેશાવરમાં પોલીસ લાઇન પર થયેલા આત્મઘાતી હુમલામાં 100થી વધુ સુરક્ષાકર્મીઓ અને તેમના પરિવારજનો માર્યા ગયા હતા. ક્વેટા અને કરાચીમાં પોલીસ મથકોને પણ નિશાન બનાવવાનું ચાલુ છે.


આતંકવાદી હુમલામાં 27 ટકાનો વધારો


ઈસ્લામાબાદ સ્થિત સંશોધન સંસ્થા પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝ (PIPS) અનુસાર, દેશમાં 2021ની સરખામણીમાં 2022માં આતંકવાદી હુમલાઓમાં 27%નો વધારો જોવા મળ્યો છે. પાકિસ્તાનને આઝાદી મળ્યાના 75 વર્ષોમાં સૈન્યએ ત્રણ વખત સત્તા કબજે કરી છે અને ચાર દાયકાઓ સુધી દેશ પર સીધું શાસન કર્યું છે.


પાકિસ્તાન પર જીડીપીના 96 ટકા દેવું  


વર્તમાન આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનનું બાહ્ય દેવું અને જવાબદારીઓ લગભગ $130 બિલિયન સુધી પહોંચી ગઈ છે. આ પાકિસ્તાનના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના 95.39 ટકા છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા લાંબા સમયથી મોટાભાગે બાહ્ય દેવા પર નિર્ભર છે. ઔદ્યોગિક ઉત્પાદન અને ઘટતી નિકાસને કારણે દેવું ચિંતાજનક સ્તરને વટાવી ગયું છે. અને ગયા વર્ષના અભૂતપૂર્વ પૂરે તેને વધુ ખરાબ સ્તરે લાવી દીધું છે.


પાકિસ્તાનમાં શા માટે બળવો થવાના એંધાણ?


કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના આર્થિક સંકટ વચ્ચે સૈન્ય ખર્ચમાં કાપ અંગે ચર્ચા કરવામાં આવશે. IMFએ પાકિસ્તાનને લોન આપતા પહેલા સંરક્ષણ બજેટ ઘટાડવા અને સૈન્ય ખર્ચ ઘટાડવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. પાકિસ્તાની સેનાને ડર છે કે જો સરકાર IMFની શરત સ્વીકારીને બજેટમાં ઘટાડો કરે છે તો તેની સીધી અસર તેમની કમાણીમાં પડી શકે છે. આ જ કારણ છે કે પાકિસ્તાનની સેના વર્તમાન શહેબાઝ શરીફ સરકારથી નારાજ છે. આ દરમિયાન શાહબાઝ શરીફ તરફથી સેનાને મનાવવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.


ઈમરાન ખાનની ધરપકડ ન થવાથી સેના પણ ચિંતિત


પાકિસ્તાની નિષ્ણાતોના મતે 14 માર્ચે ઈમરાન ખાનની ધરપકડ ન થવાના કારણે પાકિસ્તાન સેનાના ઉચ્ચ અધિકારીઓમાં ગભરાટ છે. ઈમરાન ખાનની આતંકવાદના આરોપમાં ધરપકડ થવાની હતી જેના કારણે તેમના સમર્થકો દ્વારા હિંસક દેખાવો થયા હતા. ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, પાકિસ્તાન સરકાર સેનાના ઈશારે તેમની ધરપકડ કરવા માંગે છે કારણ કે તેઓ ભ્રષ્ટાચાર રોકવાની વાત કરે છે.


પાકિસ્તાની સેનામાં વ્યાપક ભ્રષ્ટાચાર


સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓને મફત જમીન અને અન્ય રાહતો માટે $17.4 બિલિયનનો ખર્ચ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેના તેલની આયાત અને રિયલ એસ્ટેટ સહિત ઘણા ક્ષેત્રોમાં દેશની કુલ રિયલ એસ્ટેટના 10 ટકાની માલિકી ધરાવે છે. અફઘાનિસ્તાન સમાધાન માટે યુએસના ભૂતપૂર્વ વિશેષ પ્રતિનિધિ તરીકે નિયુક્ત રાજદૂત ઝાલ્મે ખલીલઝાદે ધ્યાન દોર્યું હતું કે કેટલાક દેશોએ પાકિસ્તાનમાં આયોજિત રોકાણોને પહેલાથી જ સ્થગિત કરી દીધા છે. તે જ સમયે, IMF તરફથી બેલઆઉટ પેકેજ પર ચર્ચા થઈ શકી નથી.