ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં અજાણ્યા લોકોના જૂથ દ્વારા 100 વર્ષથી વધુ જૂનાં હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ફરિયાદમાં આ વાત કહેવામાં આવી છે. આ મંદિરના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે.
ફરિયાદ મુજબ, શહેરના પુરાના કીલા વિસ્તારમાં શનિવારે સાંજે સાડા સાત વાગ્યે 10 થી 15 લોકોના ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો અને મુખ્ય દરવાજો અને ઉપરના માળના બીજા દરવાજાની સાથે સીડી તોડી હતી.
એક મહિનાથી બાંધકામનું કામ ચાલી રહ્યું છે
'ડોન' અખબારના સમાચારો અનુસાર, ઇવેક્યૂયી ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી) નોર્થ ઝોનના સિક્યુરિટી ઓફિસર સૈયદ રઝા અબ્બાસ ઝૈદીએ રાવલપિંડીના બન્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને જણાવ્યું છે કે છેલ્લા એક મહિનાથી મંદિરના નિર્માણ અને નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે મંદિરની સામે થોડુંક અતિક્રમણ થયું હતું, જેને 24 માર્ચે હટાવવામાં આવ્યું હતું. મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ નથી અને ત્યાં પૂજા માટે કોઈ મૂર્તિ રાખવામાં આવી નથી.
ઝૈદીએ મંદિર અને તેની પવિત્રતાને નુકસાન પહોંચાડનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જિલ્લા વહીવટીતંત્રે તાજેતરમાં અતિક્રમણ દૂર કર્યું હતું
અગાઉ, અતિક્રમણ (દબાણ) કરનારાઓએ લાંબા સમયથી મંદિરની આજુબાજુની દુકાનો પર કબજો કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્રે પોલીસની મદદથી તાજેતરમાં તમામ પ્રકારના અતિક્રમણ દૂર કર્યા હતા. મંદિરને અતિક્રમણ મુક્ત કર્યા બાદ નવીનીકરણનું કામ શરૂ થયું હતું.
પોલીસ તૈનાત
દરમિયાન, મંદિરના સંચાલક ઓમ પ્રકાશે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે રાવલપિંડીના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા અને માહિતી મળતાની સાથે જ પરિસ્થિતિને કાબૂમાં લીધી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચાર અનુસાર, પ્રકાશએ કહ્યું કે પોલીસ મંદિરની સાથે સાથે તેના ઘરની બહાર પણ તૈનાત છે. જો કે, તેમણે કહ્યું કે મંદિરમાં હોળીની ઉજવણી કરવામાં આવશે નહીં.