નવી દિલ્લીઃ ઉરી હુમલા બાદ ભારત એક પછી એક કડક પગલાઓ ભરી રહ્યું છે જેનાથી હવે દુનિયા પણ પાકિસ્તાનના વલણની ટીકા કરી રહ્યું છે. અમેરિકન ન્યૂઝપેપર વોલ સ્ટ્રીટ જર્નલે પાકિસ્તાનના વલણની ટીકા કરી  છે. અખબારે લખ્યુ હતું કે, જો પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહયોગના પ્રસ્તાવને  ફગાવી દે છે તો  તે આખી દુનિયા માટે એક ‘અછૂત દેશ’ બની જશે.

વોલ સ્ટ્રીટ જર્નલે લખ્યું કે, મોદી હાલમાં સંયમ રાખી રહ્યા છે પરંતુ પાકિસ્તાન તેમના પર સતત વિશ્વાસ રાખી શકે નહીં. જો મોદીના સહયોગના પ્રસ્તાવને ફગાવવામાં આવે છે તો દુનિયા માટે અગાઉથી જ અછૂત દેશ પાકિસ્તાન હવે વધુ અછૂત થઇ જશે. જો પાકિસ્તાની સૈન્ય સરહદ પારથી ભારતમાં હથિયારો અને આતંકવાદીઓ મોકલવાનું ચાલુ રાખશે તો વડાપ્રધાન મોદીની કાર્યવાહી યોગ્ય ગણાશે. કોઇ પણ સૈન્ય કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લેવા મુદ્દે મોદીની પ્રશંસા કરતા અખબારે લખ્યું કે, જોકે, મોદીએ નિર્ણય લીધો છે કે જો પાકિસ્તાની સૈન્ય આતંકવાદી જૂથોને સમર્થન આપવાનું બંધ નહીં કરે તો તે પાકિસ્તાનને ઇન્ટરનેશનલ સ્તર પર અલગ કરવા માટે પગલા ભરશે.