Pakistan Election Results 2024: પાકિસ્તાનના ચૂંટણી પરિણામોમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા નવાઝ શરીફ સામાન્ય ચૂંટણીમાં જીતી ગયા છે. તેઓ એનએ 130 (લાહોર) બેઠક પરથી જીતી ગયા છે. નવાઝ હજુ પણ એક સીટ પર પાછળ છે. નવાઝની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ ચૂંટણી જીત્યા છે. આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ NA-122 (લાહોર) બેઠક પરથી ચૂંટણી હારી ગયો છે.


આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર તલ્હા હાફિઝ પરિણામોમાં ત્રીજા ક્રમે આવ્યો છે. પીટીઆઈ સમર્થિત ઉમેદવાર લતીફ ખોસાએ એનએ 122 સીટ જીતી છે, તેમના હરીફ ખ્વાજા સાદ રફીકને 1,17,109 મતોથી હરાવ્યા છે.


આતંકવાદી હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML)એ ચૂંટણી લડી હતી. તેણે દેશભરમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારમાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, પરિણામો તેમની તરફેણમાં આવ્યા નથી.


હાફિઝના સંબંધીઓ પણ ચૂંટણી લડ્યા!


હાફિઝે પોતાના પુત્ર તલ્હા સઈદને પણ ઉમેદવાર બનાવ્યો હતો. પાકિસ્તાનના વિવિધ શહેરોમાંથી આ સંગઠન દ્વારા નામાંકિત કરાયેલા કેટલાક ઉમેદવારો હાફિઝ સઈદના સંબંધી હતા અથવા તો ભૂતકાળમાં પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા અથવા મિલ્લી મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા હતા. હાફિઝ સાથે સંકળાયેલું સંગઠન પાકિસ્તાનના લોકોને ગેરમાર્ગે દોરવા માટે રાજકીય એજન્ડા પણ લઈને આવ્યું હતું. તેમની પાર્ટી ચૂંટણીમાં ઈસ્લામિક સ્ટેટના સપના દેખાડી રહી હતી. જો કે, લોકોને તેના શબ્દો અને દાવાઓ પર વિશ્વાસ નહોતો.


નોંધનીય છે કે હાફિઝ મોહમ્મદ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ પણ તેના સંગઠનને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. હાલમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના સ્થાપક હાફિઝ મોહમ્મદ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD) ના કેટલાક અન્ય નેતાઓ સાથે 2019 થી જેલમાં છે. તેને આતંકવાદી ફંડિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.