નવી દિલ્હી: પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બહાર નથી આવતું. પાકિસ્તાની ફાઈટર જેટ F-16એ ગત મહિને દિલ્હીથી કાબુલ જઈ રહેલી ફ્લાઈટને લગભગ એક કલાક સુધી ઘેરી રાખી હતી અને અટકાવી રાખી હતી. 23 સપ્ટેમ્બરે દિલ્હીથી કાબુલ જવા માટે સ્પાઈસજેટની ફ્લાઇટ એમજી-21 રવાના થઈ હતી. જ્યારે આ ફ્લાઈટ ઉડી રહી હતી ત્યારે પાકિસ્તાનના બે F-16 ફાઈટર જેટે સ્પાઈસજેટના પાયલટ પાસેથી ઉડાનની માહિતી રિપોર્ટ કરવા અને ઉંચાઈ ઓછી કરવા કહ્યું હતું. આ ફ્લાઈટમાં 120 મુસાફરો સવાર હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈના સૂત્રો જણાવ્યું કે પાકિસ્તાનના એફ-16 ફાઈટર જેટને જવાબ આપતા સ્પાઈસજેટના પાયલટે કહ્યું, આ સ્પાઈસ જેટ છે. આ ભારતયી કૉમર્શિયલ એરક્રાફ્ટ છે. જે યાત્રીઓને નક્કી કરેલ સમય પ્રમાણે કાબુલ લઈ જઈ રહ્યું છે. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પાકિસ્તાનનો એરસ્પેસ ભારત માટે બંધ નહોતો.


જ્યારે એફ-16 સ્પાઈસજેટ વિમાનની ફરતે પાકિસ્તાનનું એફ-16 વિમાન ચક્કર લગાવી રહ્યું હતું ત્યારે યાત્રીઓએ પણ જોયું હતું. એક યાત્રીએ જણાવ્યું કે પાકિસ્તાની ફાઈટર જેટના પાયલટે હાથના ઇશારાથી સ્પાઈસજેટના પાયલટને ઉડાનની ઊંચાઈ ઘટાડવા કહ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે દરેક વિમાનનો પોતાનો એક કોડ હોય છે. સ્પાઈસજેટનો કોડ ‘એસજી’ છે. પણ પાકિસ્તાન એટીસીએ તેને ‘IA’ એટલે કે ઇન્ડિયન આર્મી કે ઇન્ડિયન એરફોર્સ સમજી બેઠા હતા. જો કે સ્થિતિ સ્પષ્ટ થયા બાદ પાક લડાકુ વિમાને ભારતીય વિમાનને પાકિસ્તાનના એરસ્પેસથી બહાર કાઢ્યું અને સ્પાઈસજેટ અફઘાનિસ્તાનમાં પહોંચ્યું હતું.