Pakistan Political Crisis: દુનિયાભરમાં પરમાણું શક્તિ હોવાની ડંફાશ હાંકતા પાકિસ્તાનની મુશ્કેલીઓ જાણે ઘટવાનું નામ જ નથી લઈ રહી. એક તરફ પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકી છે. ઉપરાંત પાકિસ્તાન દેવાળીયું થવાના આરે છે ત્યાં બીજી તરફ હવે ફરી એકવાર સત્તા પરિવર્તનના ડાકલા વાગવા લગ્યા છે. હવે તો શરીફ પરિવારમાં મોટી તિરાડ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. 


આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ફરી એકવાર સરકાર પડવાની શક્યતાઓ છે. શરીફ પરિવારની સત્તાધારી પાર્ટી પીએમએલ (એન)માં વિભાજન ફરી એકવાર દેશમાં રાજકીય સંકટ સર્જી શકે છે. પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે પોતાના જ કાકા વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.


વધતી મોંઘવારીનો સામનો કરી રહેલા શાહબાઝ શરીફ સામે હવે પોતાની સરકાર બચાવવાનો મોટો પડકાર ઉભો થયો છે. મરિયમ નવાઝે વર્તમાન સરકારથી અલગ થવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, વર્તમાન સરકાર પીએમએલ (એન)ની નથી. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર ત્યારે બનશે જ્યારે નવાઝ શરીફ પાકિસ્તાનમાં હશે.


મરિયમ બનવા માંગે છે પીએમ?


PML(N)ની અંદર એવી ચર્ચા છે કે મરિયમ નવાઝ પોતે શહેબાઝ શરીફની જગ્યાએ વડાપ્રધાન બનવા માંગે છે. પાકિસ્તાન મીડિયામાં એક મોટી ચર્ચા છે કે, નવાઝ શરીફના જમાઈ એટલે કે મરિયમના પતિ કેપ્ટન (આર) મોહમ્મદ. સફદર પાર્ટીમાં વાતાવરણ બનાવી રહ્યા છે. સફદર શાહબાઝ શરીફને બદલીને તેમની પત્ની મરિયમને પાકિસ્તાનના વડાપ્રધાન બનાવવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.


પાર્ટીમાં ચાલી રહ્યો છે મોટો વિવાદ


આ દિવસોમાં પાર્ટીમાં ભારે રસાકસી ચાલી રહી છે. આ અગાઉ મરિયમ નવાઝે પોતાના પતિ સાથે ઝઘડો કર્યો હતો. તેમણે પોતાના પતિ રિટાયર્ડ કેપ્ટન મોહમ્મદ સફદર પર પાર્ટી વિરોધી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો હતો. મરિયમ નવાઝે તેમના પતિ પર પાર્ટીની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો આરોપ લગાવ્યો હતો. મરિયમે કહ્યું હતું કે, પાર્ટીનું 'વોટ કો ઇઝ્ઝત દો' નારેટીવ પહેલા ખૂબ જ મજબૂત હતું. પરંતુ જે દિવસે પાર્ટીએ ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાના કાર્યકાળને લંબાવવાની તરફેણમાં મતદાન કર્યું, તે જ દિવસે તેણે આ કથાનું અપમાન કર્યું હતું.


Pakistan Video: 650 રૂપિયાની કોફી ખરીદવા પાકિસ્તાનમાં લાંબી લાઈનો, લોકોએ કહ્યું- આટલા રૂપિયા છે તો દેશ પૈસાની ભીખ કેમ માંગે છે?


તમે પાકિસ્તાન સરકારના શોખ વિશે સાંભળ્યું જ હશે, જે પોતાની આર્થિક દુર્દશાને લઈને દુનિયાની સામે રડી રહી છે. પરંતુ, ગરીબી વધવા છતાં, મોંઘા શોખ પૂરા કરવાનો પાકિસ્તાનમાં અન્ય ઘણા વર્ગો સાથે પણ સંબંધ છે. પાકિસ્તાનના ઘણા પોશ વિસ્તારો છે, જ્યાં તમે જશો તો લાગશે નહીં કે ત્યાં રહેતા લોકોની સામે ખાવા-પીવાની વાસ્તવિક કટોકટી છે.


તાજેતરમાં કેનેડિયન કંપની ટિમ હોર્ટન્સે લાહોરમાં તેનો પહેલો સ્ટોર ખોલ્યો. ટિમ હોર્ટન્સ તેની મોંઘી અને વૈવિધ્યસભર કોફી સેવા માટે પ્રખ્યાત છે. પાકિસ્તાનના લાહોરમાં જ્યારે ટિમ હોર્ટન્સ સ્ટોર ખોલવામાં આવ્યો ત્યારે તેની કોફીની કિંમત 650 રૂપિયા હોવાનું કહેવાય છે. પરંતુ આટલી મોંઘી કોફી પીવા માટે પણ લોકો સ્ટોરની બહાર લાંબી લાઈનો લગાવે છે.