નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. એર સ્ટ્રાઇકને લઇ મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાને હુમલાના સ્થળે મીડિયાના જવા પર પ્રતિંબધ લગાવી દીધી છે. કારણકે ત્યાં હજુ પણ આતંકીઓની લાશો પડેલી છે અને પાકિસ્તાન તેને હટાવી રહ્યું છે. પાકિસ્તાને ઈન્ટરનેશનલ મીડિયાને છેલ્લા 9 દિવસમાં ત્રણ વખત બાલાકોટ જવાથી રોક્યા છે.


બાલાકોટમાં હજુ પણ પડ્યા છે આતંકીઓના શબઃ સૂત્ર

સૂત્રોના જણાવ્યા મુજબ, મીડિયાને 100 મીટર દૂર રાખવામાં આવી રહ્યા છે. આટલે દૂરથી અહીંયા કંઈ સ્પષ્ટ જોઈ શકાતું નથી. હાલ પણ બાલાકોટમાં આતંકીઓના અનેક શબ પડેલા છે અને પાકિસ્તાનને લાગે છે કે જો ઈન્ટરનેશનલ મીડિયા ત્યાં પહોંચી જશે તો તેમનો અસલી ચહેરો વિશ્વ સમક્ષ ખુલ્લો પડી જશે.


 આતંકીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ખોટું બોલી રહ્યું છે પાકિસ્તાન

પુલવામા આતંકી હુમલાને આશરે 25 જેટલા દિવસો થઈ ગયા હોવા છતાં પાકિસ્તાન આતંકીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ખોટું બોલી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન હજુ પણ પુલવામા હુમલાને જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યો હોવાનું સ્વીકારતું નથી, જ્યારે ખુદ આ આતંકી સંગઠને તેની જવાબદારી લીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર કહ્યું કે, પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર અમારી કાર્યવાહી સફળ રહી છે.


વાંચોઃ રાજસ્થાન સરહદ પર ભારતીય સેનાએ પાકિસ્તાનનું વધુ એક ડ્રોન તોડી પાડ્યું, જાણો વિગત