લંડન: પંજાબ નેશનલ બેંકના 13,000 કરોડ રૂપિયા લઇને દેશમાંથી ભાગી જનાર નિરવ મોદીને ભારતીય તપાસ એજન્સીઓ શોધી રહી છે પરંતુ નિરવ મોદી લંડનના રસ્તાઓ પર જાહેરમાં ફરતો જોવા મળ્યો હતો. ભારતની બેંકોને રૂપિયા 13 હજાર કરોડનું ફલેકું ફેરવી ભાગેડુ પહેલી વખત કેમેરા સામે જોવા મળ્યો છે.
નિરવ મોદી લંડનના માર્ગ પર એકદમ અલગ જ લુકમાં જોવા મળ્યો હતો. તેણે દાઢી વધારી દીધી છે. એક તરફ ભારતીય તપાસ એજન્સી તેને શોધી રહી છે ત્યારે લંડનના એક જાણીતા અખબારે નિરવ મોદી સાથે જાહેર રસ્તા પર જ પ્રશ્નો કર્યાં હતા. પરંતુ નિરવ મોદીએ તેના જવાબ આપ્યા નહીં અને ‘નો કોમેન્ટ’ બોલી ત્યાંથી રવાના થયો હતો.
લંડનના રસ્તા પર ફરતા કેમેરામાં કેદ થયેલા નિરવ મોદીના જેકેટની કિંમત જ 10000 પાઉન્ડ એટલે કે અંદાજે રૂપિયા 9 લાખ છે. એટલું જ નહીં મોદી લંડનના સેન્ટર પોઈન્ટ ટાવર બ્લોકમાં ત્રણ બેડરૂમના ફ્લેટમાં રહે છે. જે લંડનમાં બહુ જ ફેમસ છે. જ્યાંથી સમગ્ર લંડનને નિહાળી શકાય છે. આ ફ્લેટનું ભાડું 17 હજાર યુરો છે એટલે કે અંદાજીત રૂપિયા 15 લાખ. નિરવ મોદી આલિશાન લાઈફ જીવી રહ્યો છે.