Pakistan News: પાકિસ્તાનમાં હુમલાખોરોએ એક હિંદુ છોકરીનું અપહરણ કરવાના પ્રયાસમાં નિષ્ફળ ગયા પછી રસ્તાની વચ્ચે ગોળી મારીને હત્યા કરી દીધી. અખબાર 'ધ ફ્રાઈડે ટાઈમ્સ'એ અહેવાલ આપ્યો છે કે 18 વર્ષની પૂજા ઓડે રોહીએ સુક્કરમાં અપહરણકર્તાઓનો પ્રતિકાર કર્યો હતો ત્યારબાદ તેને ભરબજારે ગોળી મારી દેવામાં આવી હતી.


પીપલ્સ કમિશન ફોર માઈનોરિટી રાઈટ્સ અને સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસના જણાવ્યા અનુસાર, પૂજાનું પહેલા રસ્તા પર અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે હુમલાખોરોએ તેને ગલીની વચ્ચે ગોળી મારી દીધી હતી. ધ ફ્રાઈડે ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે દર વર્ષે લઘુમતી સમુદાયોની મહિલાઓ, ખાસ કરીને સિંધમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે.




પાકિસ્તાનના લઘુમતી સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધર્મ પરિવર્તન અને બળજબરીથી લગ્ન કરવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 18 વર્ષની યુવતીને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી.


વર્ષ 2019 માં, સિંધ સરકારે હિન્દુ લઘુમતીઓના બળજબરીથી ધર્માંતરણ અને લગ્નને રોકવા માટે એક કાયદો ઘડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ જોરદાર વિરોધ અને પ્રદર્શનોને કારણે, કાયદો ઘડી શકાયો ન હતો. પરિણામે આજે પણ ધર્મ બદલો કે મરો એવી પીડાદાયક પ્રક્રિયા ચાલુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013 થી 2019 સુધીમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ છે.