Pakistan : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને આજે શુક્રવારે ફરી એકવાર ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમના બિનજામીનપાત્ર ધરપકડ વોરંટને જ સસ્પેન્ડ કરી દીધું છે. આ અગાઉ કોર્ટે ઈમરાનને 18 માર્ચ સુધી ધરપકડ કરીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પૂર્વ વડાપ્રધાને ધરપકડ વોરંટ રદ કરાવવા માટે અરજી કરી હતી. તેમની સામે આ ધરપકડ વોરંટ તોષાખાના કેસમાં જારી કરવામાં આવ્યું હતું.



કોર્ટે તેમને આવતીકાલ સુધી નીચલી કોર્ટમાં હાજર રહેવાનો મોકો પણ આપ્યો છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે ઈમરાન ખાન વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટને રદ કરતા કહ્યું હતું કે, સેશન્સ કોર્ટ અને પોલીસને પણ તેમને પૂરતી સુરક્ષા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

ઈમરાન ખાન લાહોર હાઈકોર્ટ જવા રવાના

આ દરમિયાન ઈમરાન ખાન લાહોર હાઈકોર્ટ જવા રવાના થઈ ગયા છે. તે લાહોર હાઈકોર્ટમાં નવ કેસોમાં સુરક્ષાત્મક જામીન અરજી પર સુનાવણીમાં ભાગ લેવા જઈ રહ્યો છે. તેમની પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ઈમરાન લાહોર હાઈકોર્ટ જઈ રહ્યા છે. તે લાહોર હાઈકોર્ટ જઈને જાણ કરશે કે તે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થશે.

આ દરમિયાન જજ ઈકબાલે એવી પણ ટીપ્પણી કરી હતી કે, ઈમરાન ખાને કોર્ટ પાસે કોઈ પણ પ્રકારની તરફેણની માંગ કરતા પહેલા બિનશરતી આત્મસમર્પણ કરવું જોઈએ. હકીકતે ઇમરાન ખાન ઘણી સુનાવણીમાં ગેરહાજર રહ્યા છે. જો કે, જ્યારે પોલીસ મંગળવારે ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે લાહોરના જમાન પાર્ક સ્થિત તેના નિવાસસ્થાને પહોંચી ત્યારે તેની પીટીઆઈ સમર્થકો સાથે ઘર્ષણ થયું હતું. બાદમાં કોર્ટના હસ્તક્ષેપ બાદ આ સંઘર્ષનો અંત આવ્યો હતો.

આ મામલામાં શુક્રવારે લાહોર હાઈકોર્ટમાં સુનાવણી પહેલા ફવાદ ચૌધરીએ ટ્વીટ કર્યું હતું કે, બંને પક્ષો મુદ્દાઓને ઉકેલવા માટે સંમત થયા છે અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જાહેર છે કે, પહેલા પોલીસ અને ત્યાર બાદ સેનાની ટીમ ઈમરાનની ધરપકડ કરવા માટે જમાન પાર્ક સ્થિત તેના ઘરે પહોંચી હતી. પરંતુ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરનારા તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા. આ દરમિયાન ઘણી હિંસા પણ થઈ હતી, જે બાદ પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ લાહોર હાઈકોર્ટે પણ પોલીસને પીછેહઠ કરવાનો આદેશ આપ્યો હતો.

શું છે તોશાખાના કેસ?

ઈમરાન ખાન પર ભેટમાં હેરાફેરીનો આરોપ છે. વર્ષ 2018માં દેશના પીએમ તરીકે તેમને યુરોપ અને ખાસ કરીને આરબ દેશોની મુલાકાત દરમિયાન ઘણી કિંમતી ભેટો મળી હતી. કથિત રીતે ઇમરાને ઘણી ભેટો જાહેર કરી ન હતી, જ્યારે ઘણી ભેટો મૂળ કરતાં ઘણી ઓછી કિંમતે ખરીદી હતી અને બહાર નીકળીને વધુ કિંમતે વેચવામાં આવી હતી.