નવી દિલ્હીઃ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અને મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર જીવીત છે. પાકિસ્તાનના એક મીડિયા અહેવાલમાં મસૂદ અઝહરના પરિવાર સાથે જોડાયેલ સૂત્રને ટાંકીના આ દાવો કરવામાં આવ્યો છે. ‘જિયો ઉર્દૂ’ના સમાચાર અહેવાલ અનુસાર આતંકી મસૂદ અઝહરની મોત સાથે જોડાયેલ અહેવાલ ખોટા છે. આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે તમામ મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મસૂદ અઝહરનું મોત થયું છે. જોકે હજુ સુધી પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. સૂચના મંત્રી ફવાદ ચૌધરીને જ્યારે પીટીઆઈએ મસૂદ અઝહર વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, ‘મને હાલમાં એના વિશે કોઈ જાણકારી નથી.’
પાકિસ્તાની ન્યૂઝ ચેનલે સંસદ હુમલાના મુખ્ય આરોપી આતંકી મસૂદના પરિવારના નજીકના અજ્ઞાત સૂત્રો દ્વારા જણાવ્યું છે કે, મસૂદ અઝહર જીવતો છે. જોકે હજી તેના સ્વાસ્થય વિશેની કોઈ માહિતી મળી નથી. બીજી બાજુ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પણ મૌન ધારણ કરી લીધું છે. સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ અઝહરના મોતના મીડિયા રિપોર્ટ વિશે કઈ પણ જણાવવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, મને હાલ આ વિશે કંઈજ ખબર નથી.
નવી દિલ્હીમાં ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા આતંકી મસૂદ અઝહરની મોત વિશે સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી ખબરો વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે, અઝહરની સેનાની એક હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે અને તેની કિડનીની તકલીફ છે. તેમની પાસે આ સિવાય વધુ કોઈ માહિતી નથી.