અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પાકિસ્તાનમાં રહેતા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નવેસરથી પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદમાં મસૂદ અઝહરના વૈશ્વિક પ્રવાસ પર પ્રતિબંધ લાગી જશે, તેની સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે.
ઘટનાક્રમ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના હવાલેથી એક્સપ્રેસ ટ્રિબ્યૂને કહ્યું કે પાકિસ્તાન એક મોટો નિર્ણય લેતા તમામ પ્રતિબંધિત સંગઠન તેમજ જૈશ પ્રમુખ સામે નિર્ણાયક કાર્યવાહી કરી શકે છે. અઝહર સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેની કોઈ માહિતી મળી નથી પરંતુ અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર ન કરવાનો પોતાનો પ્રસ્તાવ પરત લઈ શકે છે.
અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પાકિસ્તાન હવે મસૂદ અઝહર વિરુદ્ધ સુરક્ષા પરિષદમાં કાર્યવાહીનો વિરોધ નહીં કરે? જવાબમાં અધિકારીએ કહ્યું કે, 'પાકિસ્તાને નિર્ણય લેવો પડશે કે વ્યક્તિ મહત્વપૂર્ણ છે કે પછી દેશનું હિત વધારે મહત્વનું છે.'