લાહોરઃ જમ્મુ-કાશ્મીરને લઈ પાકિસ્તાન રઘવાયું બન્યું છે અને તેના નેતા સતત વિચિત્ર નિવેદનો આપતા રહે છે. ક્યારેક પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પરમાણુ યુદ્ધની ધમકી આપે છે તો તેમના મંત્રી પણ આવા જ નિવેદનો આપી રહ્યા છે. હવે પાકિસ્તાન સરકારના મંત્રી શેખ રશીદે ભવિષ્યવાણી કરીને યુદ્ધની તારીખ પણ જણાવી દીધી છે.


પાકિસ્તાની ચેનલ દુનિયા ટીવી મુજબ બુધવારે એક સેમિનારમાં પાકિસ્તાની મંત્રી શેખ રશીદે કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થતું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાની સેના પાસે જે હથિયાર છે તે માત્ર દેખાડવા માટે નહીં પરંતુ ઉપયોગ કરવા માટે પણ છે. અમે સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ વારંવાર આ મુદ્દો ઉઠાવીશું અને PoKનો પ્રવાસ કરીશું. પાકિસ્તાન છેક સુધી કાશ્મીર માટે લડતું રહેશે.



શેખ રશીદ સતત આ પ્રકારના નિવેદનો આપતા રહે છે. બે દિવસ પહેલા જ તેમણે કહ્યું હતું કે જો ભારત દ્વારા પીઓકે પર હુમલો કરવામાં આવશે તો આ ભારતીય ઉપખંડનું મોટું યુદ્ધ રહેશે અને તેનાથી પૂરો નકશો બદલાઈ જશે.



રશીદે થોડા દિવસો પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધની વાત કરી હતી, જે બાદ તેઓ લંડન પહોંચ્યા તો લોકોએ તેમના પર ઈંડા ફેંક્યા હતા.