ઇસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરને લઇને મોદી સરકારના નિર્ણયોથી પાકિસ્તાનમાં ખલબલી મચી ગઇ છે, ગભરાયેલા પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કરણ કરવાની કોશિશ કરી પણ નિષ્ફળ ગયુ. હવે વધુ એક ધમકી ભારતને આપી છે. આ ધમકીમાં પાકિસ્તાનના એરસ્પેસ ભારત માટે બંધ કરવાની છે, તેમને કહ્યું કે મોદીએ શરુ કર્યુ છે હવે અમે ખતમ કરીશું.

ઇમરાન ખાન કેબિનેટમાં સાયન્સ એન્ડ ટેકનોલૉજી મંત્રી ફવાદ ચૌધરીએ ધમકી આપતા કહ્યું કે, 'વડાપ્રધાન (ઇમરાન ખાન) ભારત માટે હવાઇ ક્ષેત્રને પુરેપુરી બંધ કરવા પર વિચાર કરી રહ્યાં છે. અફઘાનિસ્તાન સાથે વેપાર કરવા માટે પણ ભારત પાકિસ્તાનમાં જે રસ્તોનો ઉપયોગ કરે છે, તેને પણ પુરેપુરો બંધ કરવા પર વિચાર કરાઇ રહ્યો છે. કેબિનેટ મીટિંગમાં આ બધા નિર્ણયોને કાયદાકીય સ્તરે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો. મોદીએ શરૂ કર્યુ છે અમે સમાપ્ત કરીશું.'


ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી, ત્યારે પણ પાકિસ્તાને એરસ્પેસ બંધ કરી દીધા હતા, બાદમાં 27 માર્ચે પાકિસ્તાને એરસ્પેસ ખોલ્યા હતા.



ખાસ વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ભારતને ઘેરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યુ છે, જોકે, તેમાં સફળ થઇ શક્યુ નથી. ભારત સાથેનો વેપાર પહેલાથી જ બંધ કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ કાશ્મીર મુદ્દાને લઇ ગયુ હતુ.