Pakistan : પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડીઝલની કિંમત 300 રૂપિયા પ્રતિ લીટરને વટાવી ગઈ છે. કાર્યકારી સરકારે પેટ્રોલના ભાવમાં 14.91 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે ત્યારબાદ પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં 18.44 રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ ડીઝલ 311.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
નાણાં મંત્રાલયે આદેશ જાહેર કર્યો
નાણા મંત્રાલયે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વધારા સાથે પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને હાઇ સ્પીડ ડીઝલ (એચએસડી) 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે લાઈટ ડીઝલ ઓઈલના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સતત વધી રહ્યા છે ભાવ
કિંમતોમાં વધારો એવા સમયે થયો છે જ્યારે સરકારે 15 ઓગસ્ટે જ તેની કિંમતોમાં ભારે વધારો કર્યો હતો. ત્યારબાદ વચગાળાની સરકારે ઈંધણના ભાવમાં પ્રતિ લીટર 20 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. અગાઉની સરકાર દ્વારા 1 ઓગસ્ટના રોજ પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાની રૂપિયાની ખરાબ હાલત
આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાની રૂપિયાની હાલત સતત કથળી રહી છે. ગુરુવારે ઇન્ટરબેન્ક માર્કેટમાં અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયો ફરી એકવાર 1.09 રૂપિયા ઘટ્યો હતો. તે 305.54 રૂપિયાની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી રૂપિયામાં 4.6 ટકાનો ઘટાડો થયો છે. ઓગસ્ટમાં પાકિસ્તાની રૂપિયામાં 6.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
IMFએ 3 બિલિયન ડોલરની મદદ મંજૂર કરી
નોંધનીય છે કે IMFએ તાજેતરમાં જ પાકિસ્તાનને નાણાકીય કટોકટીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા માટે 3 બિલિયન ડોલરનું બેલઆઉટ પેકેજ જાહેર કરવાની મંજૂરી આપી છે.જો કે આ લોન આપતા પહેલા વૈશ્વિક સંસ્થાએ એવી શરત પણ મૂકી છે કે દેશની પેટ્રોલિયમ વસૂલાતમાં 60 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવામાં આવે. મદદ માટે સતત વિનંતીઓ કર્યા પછી લગભગ આઠ મહિના પછી 30 જૂન, 2023 ના રોજ IMFએ શરતો સાથે 3 અબજ ડોલરની મદદને લીલી ઝંડી આપી દીધી હતી.