ઇસ્લામાબાદઃ પાકિસ્તાન, ભારત, મલેશિયા સહિત એશિયાના અનેક દેશોમાં કિલર કોરોના વાયરસના ફેલાવાનું કારણ બનેલા તબલીગી જમાતના સભ્યોએ પાકિસ્તાનની પણ ઉંઘ ઉડાડી દીધી છે. પાકિસ્તાનના અધિકારીઓ હવે તબલીગી જમાતના 41 હજાર એવા સભ્યોની શોધ કરી રહી છે જે છેલ્લા મહિને લાહોરમાં થયેલા ઇજ્તિમામાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ બાદ દેશના અનેક વિસ્તારમાંથી આવેલા લોકો પાછા પોતાના ઘરે પર ગયા છે.

લાહોરના રાઇવિંડ વિસ્તારમાં પાંચ દિવસ સુધી આ ઇજ્તિમેમાં દુનિયાભરના લગભગ અઢી લાખ લોકો સામેલ થયા હતા. તેમાંથી અનેક જમાતીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. પાકિસ્તાની અધિકારી હવે બાકી બચેલા જમાતીઓની શોધ કરી રહી છે જેથી તેમને ક્વોરેન્ટાઇન કરી શકાય. એક સીનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુ કે, લાહોરમાં એકલા તબલીગી જમાતના 41 લોકો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે.

અધિકારીએ કહ્યું કે, અમને ડર છે કે પાકિસ્તાનના 60 અલગ અલગ શહેરોમાં 10 હજાર જમાતીઓ કોરોના વાયરસની સંક્રમિત છે. આ જમાતીઓને શોધવા માટે 5200 ટીમો બનાવી છે. દરેક ટીમમાં આઠ સભ્યો છે. તેઓને દેશભરની મસ્જિદોમાં મોકલવામાં આવ્યા છે. લાહોરમા યોજાયેલા આ કાર્યક્રમમાં 26 દેશોના 4500 લોકોએ ભાગ લીધો હતો.