નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને બુધવારે કહ્યું કે, હવે તે ભારત સાથે વાતચીત કરવાની અપીલ નહીં કરે. તેની સાથે જ ઇમરાન ખાને એક વખત ફરી પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. વિદેશી મીડિયાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના પીએમે કહ્યું કે, તેણે વારંવાર વાતચીત કરવા માટે અપીલ કરી પરંતુ ભારતીય પીએમ મોદીએ તેને અવગણી છે.

NYTના પ્રમાણે ઇમરાને કહ્યું હતું કે તેની (ભારત) સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. મેં બધુ જ કરી લીધું છે. દુર્ભાગ્યથી હવે હું પાછું વળીને જોઉ છું તો શાંતિ અને સંવાદ માટે જે હું કરી રહ્યો હતો. મને લાગે છે કે તેને તૃષ્ટીકરણ માન્યું છે. NYTના મતે ઇમરાન ખાને ચેતવણી આપી છે કે જો ભારતે પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી શરુ કરી તો પાકિસ્તાન જવાબ આપવા મજબૂર હશે.

ઇમરાન ખાને ફરી એક વખત પીએમ મોદીને ફાસીવાદી અને હિંદૂવાદી ગણાવતા આરોપ લગાવ્યો કે તે કાશ્મીરની મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારને સાફ કરીને તેને હિંદુ બહુમતી વિસ્તારમાં ફેરવવા માગે છે.

ઇમરાને કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે કાર્યવાહીને યોગ્ય ગણાવવા માટે કાશ્મીરમાં ખોટા અભિયાન ચલાવી શકે છે. મારી ચિંતા એ છે કે આ વધી પણ શકે છે અને બે પરમાણુ સશસ્ત્ર દેશો માટે અને દુનિયા માટે આ ખતરનાક હશે.