નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા ભારતને યુદ્ધ અને પરમાણુ હુમલાની ધમકી આપનાર પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું છે. કાશ્મીર મુદ્દે દુનિયાભરમા પોતાનો પ્રોપગેન્ડા વેચવા નિષ્ફળ રહ્યાં બાદ વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું પાકિસ્તાન ભારત સાથે દ્વિપક્ષીય વાતાઘાટો કરવા તૈયાર છે અને તેનાથી તેમને કોઈ વાંધો નથી.


કુરેશીએ કહ્યું કે “પાકિસ્તાને ક્યારેય પણ ભારત સાથે દ્વિપક્ષીય વાતચીતનો વિરોધ કર્યો નથી.” કુરેશીનું આ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની વાતોથી વિપરીત છે. જેમાં ઇમરાને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર પર 5 ઓગસ્ટે ભારતે જે કર્યું તેના બાદ દિલ્હી સાથે વાતચીત કરવાની કોઈ સંભાવના નથી.


કુરેશીએ ભારત સાથે વાતચીત કરવાની રજૂઆત કરતા કહ્યું કે આ મામલે કોઈ ત્રીજો પક્ષ મધ્યસ્થતા કરશે તો પાકિસ્તાનને ખુશી થશે. જો કે તેમણે કહ્યું ભારત તરફથી વાતચીત કરી કરી શકાય તેવો કોઈ માહોલ નજર નથી આવી રહ્યો. કુરેશીએ કહ્યું કે કાશ્મીર મામલે ત્રણ પક્ષ છે. ભારત-પાકિસ્તાન અને કાશ્મીર. તેમણે કહ્યું વાતચીત શરૂ કરવા માટે નજરબંધ કરવામાં આવેલા કાશ્મીરી નેતાઓને છોડવામાં આવે.