પાકિસ્તાને આવતા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G-20 બેઠકનો વિરોધ કર્યો હતો. આ બેઠકના બહિષ્કાર માટે તેઓ જી-20માં પોતાના સાથી દેશો ચીન, તુર્કી અને સાઉદી અરેબિયાનો સંપર્ક કરવાની તૈયારી કરી છે.






ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ભારત જમ્મુ અને કાશ્મીરમાં G-20 સમિટના કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. ભારત આ વર્ષે ડિસેમ્બરમાં G-20 દેશોનું પ્રમુખપદ સંભાળશે. જિયોપોલિટિક્સ, ડિફેન્સ અને નેશનલ સિક્યુરિટી થિંક ટેન્ક ડબલ્યુએલવીએન એનાલિસિસે એક ટ્વિટમાં કહ્યું કે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં જી-20 બેઠકનો બહિષ્કાર કરવા માટે ચીન, તુર્કી અને સાઉદી અરેબિયાનો સંપર્ક કરશે. ઉલ્લેખનીય છે કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને G-20 સમિટ માટે ભારતના શેરપા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત 1 ડિસેમ્બર, 2022 થી G-20 ગ્રુપની અધ્યક્ષતા સંભાળશે અને 2023 માં પ્રથમ G-20 નેતાઓની સમિટનું આયોજન કરશે. G-20 દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, જર્મની, ફ્રાન્સ, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, અમેરિકા અને યુકે છે.


પાકિસ્તાન પહેલા જ આ પ્રસ્તાવિત બેઠકનો વિરોધ કરી ચૂક્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન આ મામલે અન્ય G-20 દેશો સાથે પણ વાત કરશે. સૂત્રોના કહેવા પ્રમાણે પાકિસ્તાન આ મામલે ચીન, તુર્કી અને સાઉદી અરેબિયાનો સંપર્ક કરશે. પાકિસ્તાન ભારતની યોજનાઓને લઈને અમેરિકા, બ્રિટન અને અન્ય G-20 દેશો સાથે પણ વાત કરશે.


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માર્ચમાં ભારતે જમ્મુ-કાશ્મીરમાં ખાડી દેશોના રોકાણ સંમેલનનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સમાં UAE અને હોલેન્ડ સહિત વિવિધ દેશોના ઉદ્યોગસાહસિકો અને CEO સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં 36 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને આ ગલ્ફ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં રૂ. 27,000 કરોડના રોકાણ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.