Pakistan Food Crisis: પૂર અને ખાદ્ય સંકટનો સામનો કરી રહેલું પાકિસ્તાન ફરી એકવાર ભારત સાથે વેપાર શરૂ કરશે. પાકિસ્તાનના નાણામંત્રી મિફ્તાહ ઈસ્માઈલે આ જાહેરાત કરી છે. મિફ્તા ઈસ્માઈલે કહ્યું, "આ પૂર અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાને કારણે અમે ભારત સાથે વેપાર માર્ગો ખોલીશું."


પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તા ઈસ્માઈલે આજે મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં આવેલા પૂરને કારણે ખેડૂતોના પાકમાં વિનાશ થયો છે અને આ કારણે લોકોની સુવિધા માટે સરકાર ભારતમાંથી શાકભાજી અને અન્ય ખાદ્ય ચીજોની આયાત કરવા પર વિચાર કરી શકે છે. રેડિયો પાકિસ્તાન અનુસાર, ઈસ્લામાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે મિફ્તા ઈસ્માઈલને પુછાયેલા પ્રશ્નમાં તેમણે આ જવાબ આપ્યો હતો.


ઘણા સમયથી ભારત સાથે વેપાર શરૂ કરવાના પ્રયાસઃ


સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના પૂર્વ સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ ભારત સાથેના વેપારને લઈને કેટલાક પ્રસ્તાવો પર કામ કરી રહ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના ભૂતપૂર્વ વાણિજ્ય સલાહકાર રઝાક દાઉદે પણ અનેક પ્રસંગો પર ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની હિમાયત કરી હતી. 


માર્ચ 2021 માં, પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ કહ્યું કે, તે દેશના ખાનગી ક્ષેત્રને ભારતમાંથી 0.5 મિલિયન ટન સફેદ ખાંડ અને કપાસની આયાત કરવાની મંજૂરી આપશે જે વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનમાં આયાત કરી શકાશે. જો કે, આ નિર્ણય થોડા દિવસોમાં રદ કરવામાં આવ્યો હતો. હકીકતમાં, આ નિર્ણયનો PMLN અને PPP રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને અત્યારે આ પાર્ટીઓ જ પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર ચલાવી રહી છે.


પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાનેઃ
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ આસમાને છે. લાહોરના બજારમાં ડુંગળી 500 રૂપિયા પ્રતિ કિલો અને ટામેટા 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પૂરને કારણે બલૂચિસ્તાન, સિંધ અને દક્ષિણ પંજાબમાંથી શાકભાજીનો પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થયો હોવાથી આગામી દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધુ વધારો થવાની શક્યતાઓ છે.


હાલ અફઘાનિસ્તાનથી લાહોર અને પંજાબના શહેરોમાં ડુંગળી અને ટામેટાંની સપ્લાય કરવામાં આવી રહી છે. આ તોરખામ બોર્ડર પરથી આ સપ્લાય કરવામાં આવી રહ્યો છે. આ પહેલા લાહોર માર્કેટ કમિટીના સેક્રેટરી શહઝાદ ચીમાએ પણ કહ્યું હતું કે, સરકાર ભારતમાંથી ડુંગળી અને ટામેટાંની આયાત કરી શકે છે.