Pakistan Train Accident: પાકિસ્તાનના શહઝાદપુર અને નવાબશાહ વચ્ચે રવિવારે એક ભયાનક ટ્રેન અકસ્માતની ઘટના બની છે. જેમાં હજારા એક્સપ્રેસની લગભગ 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કુલ 15 મુસાફરોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ટ્રેન કરાચીથી પંજાબ જઈ રહી હતી ત્યારે તેને અકસ્માત નડ્યો હતો.
પાકિસ્તાનના જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઘટના શહજાદપુર અને નવાબશાહ વચ્ચે સ્થિત સહારા રેલવે સ્ટેશન પાસે રવિવારે બની હતી. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા અને 50 લોકો ઘાયલ થયા હતા.
અકસ્માતનું કારણ જાણી શકાયું નથી
અહેવાલો અનુસાર ઘાયલોને સારવાર માટે નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે અધિકારીઓનું કહેવું છે કે પાટા પરથી ઉતરવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ડોન ન્યૂઝ ટીવીના અહેવાલ મુજબ, ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી.
રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે
લાહોરમાં મીડિયા સાથે વાત કરતા રેલ્વે અને ઉડ્ડયન મંત્રી ખ્વાજા સાદ રફીકે કહ્યું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે અહેવાલો સૂચવે છે કે 15 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. હાલમાં અસરગ્રસ્તોના જીવ બચાવવાની પ્રાથમિકતા છે. આ પછી ઘટનાની તપાસ કરવામાં આવશે.
દરમિયાન સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ સાથે તેમણે નવાબશાહના ડેપ્યુટી કમિશનરને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં રેલ દુર્ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં ઘણી મોટી રેલ દુર્ઘટના થઈ છે.
https://t.me/abpasmitaofficial