ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક યાત્રી બસ અને ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આશરે 20 લોકોના મોત થયા છે, જ્યારે 60થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારની રાત્રે સુક્કુર જિલ્લામાં રોહડી રેલવે સ્ટેશન પાસે બની છે. એક માનવરહિત ફાટક ઓળંગવાની બસના ડ્રાઇવરની ઉતાવળનાં પગલે ટ્રેક પર ધસી આવતી ટ્રેન સાથે બસ અથડાઇ હતી. જેના પરિણામે ગંભીર અકસ્માત સર્જાયો હતો.


સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે, કેટલાય મુસાફરોને ઇજા ગંભીર છે એ જોતાં મૃત્યુઆંક વધી જવાની પૂરી શક્યતા છે. આ બસ કરાંચીથી સરગોધા તરફ જઇ રહી હતી. મૃતકોમાં સ્ત્રીઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં આ પ્રકારના માનવ રહિત ફાટકો ઘણાં બધા છે. આ અગાઉ પણ કેટલાંક ગંભીર અકસ્માતો થયા છે. પરંતુ સત્તાવાળાઓની આંખ ઊઘડતી નથી આ પ્રકારની ફરિયાદ કેટલાક લોકોએ કરી હતી.