ઈસ્લામાબાદઃ ઉરી હુમલા અને ભારતના સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સમાચારપત્ર ડોનમાં પ્રકાશિત સમાચાર સમગ્ર વિશ્વમાં હેડલાઈન બની ગયા. આ સમાચારમાં આતંકવાદને લઈને કેટલાક સાંસદો અને સેનાની વચ્ચે થયે ઉગ્ર ચર્ચાનો અહેવાલ આપવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ભારે હોબાળો થયો હતો. હવે આ અહેવાલ લખનાર પત્રકાર સિરિલ અલમીડાને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાક પ્રધાનમંત્રીની બેઠકમાં શહબાજ શરીફે સહિતના ઘણાં નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે પણ દેશની અંદતર ખુલ્લેઆમ ફરતા આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે તો તેને કોઈને કોઈ રીતે છોડી મુકવામાં આવે છે.
અહેવાલ અનુસાર, સરકારના પ્રધાનોની બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે, જો દેશમાં આવા આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિશ્વમાં પાકિસ્તાન અલગ પડવાથી કોઈ રોકી નહીં શકે. આ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યા જેમાં કહેવામાં આવ્યું કે ડીજી, આઈએસઆઈ અને એનેસએ એવા રાજ્યોનો પ્રવાસ કરશે, જ્યાં આવા આતંકવાદી ગ્રુપ સક્રિય છે.
જોકે આ અહેવાલ સામે આવ્યા બાદ પ્રધાનમંત્રી કાર્યાલય અને શહબાજ શરીફની ઓફિસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે, જેમાં આ પ્રકારની કોઈપણ ચર્ચા થવાની વાતને રદિયો આપવામાં આવ્યો છે. જ્યારે હવે આ સમાચરાનું રિપોર્ટિંગ કરનાર પત્રકાર અલમીડાને દેશ છોડવા પર પાકિસ્તાનની સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.
આ સમાચાર બાદ પત્રકાર સિરિલ અલમીડાએ ટ્વીટ કરી પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું, હેરાન છું, દુખી છું. પાકિસ્તાન છોડવાનો મારો કોઈ ઈરાદો નથી.