Aamir Liaquat Hussain Death: પ્રખ્યાત ટીવી હોસ્ટ અને પાકિસ્તાનના સાંસદ આમિર લિયાકત હુસૈનનું મોત થયુ છે. તે 49 વર્ષના હતા. આજે આમિર લિયાકત હુસૈન કરાચીમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, લિયાકતની તબિયત લથડતા તેને આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બાદમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પ્રાથમિક રિપોર્ટમાં કોઈ ગેરરીતિ દર્શાવવામાં આવી નથી.






આમિર લિયાકત હુસૈનનું પોસ્ટમોર્ટમ જિન્ના પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં કરવામાં આવશે. દરમિયાન, નેશનલ એસેમ્બલીના સ્પીકર રાજા પરવેઝ અશરફે એમએનએ અમીર લિયાકત હુસૈનના મૃત્યુના સમાચાર મળ્યા બાદ આજે શરૂ થયેલા સત્રને શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.


કરાચીથી સાંસદ ચૂંટાયા હતા


ઉલ્લેખનીય છે કે લિયાકત માર્ચ 2018માં પીટીઆઈમાં જોડાયા હતા અને તે વર્ષના અંતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કરાચીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જોકે બાદમાં તેમણે પાર્ટી છોડી દીધી હતી. તે અગાઉ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM) ના અગ્રણી નેતા હતા અને ઓગસ્ટ 2016 માં પાર્ટી સાથે સંબંધ તોડી નાખ્યો અને કહ્યું કે તે રાજકારણ છોડી દેશે. લિયાકત ઘણા વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા હતા.


લગ્નને લઇને હતા ચર્ચામાં


તેમનો જન્મ 5 જુલાઈ 1972ના રોજ થયો હતો. તેમને બે બાળકો પણ છે. આમિર લિયાકતે ત્રણ લગ્ન કર્યા હતા. તેમણે 2018માં બીજા લગ્ન તૌબા અનવર સાથે કર્યા હતા. બાદમાં તેની સાથે ડિવોર્સ લઇ લીધા હતા. પછી તેમણે વર્ષ 2022 માં જ દાનિયા શાહ સાથે લગ્ન કર્યા હતા. દાનિયા શાહ તેમના કરતા 31 વર્ષ નાની હતી. જોકે લગ્નના થોડા દિવસો બાદ દાનિયાએ ડિવોર્સ માંગ્યા હતા.