ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શનિવારે ભારતીય હાઇ કમિશનની ઇફતાર પાર્ટીમાં મહેમાનો સાથે પાકિસ્તાની અધિકારીઓએ ખરાબ વર્તન કર્યા બાદ વિવાદ પેદા થયો છે. સૂત્રોએ કહ્યું કે, પાકિસ્તાની એજન્સીઓએ હોટલ સેરેના બહાર શનિવારે ઘેરાબંધી કરી હતી અને મહેમાનોને ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. સૂત્રોના મતે તેમને વિવિધ નંબરો પરથી મહેમાનોને ફોન કર્યા હતા અને ધમકી આપી હતી કે જો ઇફતાર પાર્ટીમાં સામેલ થશો તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ મામલા બાદ પાકિસ્તાનમાં ભારતીય હાઇ કમિશનર અજય બિસારિયાએ કહ્યું કે, અમે એ તમામ મહેમાનોની માફી માંગીએ છીએ જેમને શનિવારે બળજબરીપૂર્વક પાછા મોકલી દેવામાં આવ્યા હતા. આ પ્રકારની હરકત ખૂબ નિરાશાજનક છે. બિસારિયાએ કહ્યું કે, પાકિસ્તાને મૂળભૂત રાજકીય આચરણ અને સભ્ય વ્યવહારનું ઉલ્લંઘન કર્યુ પરંતુ બંન્ને દેશોના દ્ધિપક્ષીય સંબંધો ખરાબ કર્યા. સૂત્રોના મતે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને મહેમાનોને કહેવામાં આવ્યુ હતું કે, ઇફતાર પાર્ટી રદ કરી દેવામાં આવી છે.