S Jaishankar at UNGA: વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરે શનિવારે (28 સપ્ટેમ્બર) સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 79મી બેઠકને સંબોધિત કરી હતી. સંબોધન દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે પાકિસ્તાન તેના કર્મોનું ફળ ભોગવી રહ્યું છે અને પાકિસ્તાનની જીડીપીનો ઉપયોગ માત્ર કટ્ટરતામાં જ કામ આવે છે.
પાકિસ્તાન પર નિશાન સાધતા એસ જયશંકરે કહ્યું હતું કે , ' આતંકવાદના તમામ સ્વરૂપનો વિરોધ થવો જોઇએ અને પાકિસ્તાનને ખુલ્લું પાડવું જોઈએ. પાકિસ્તાનની આતંકવાદની નીતિ કોઈપણ કિંમતે સફળ નહીં થાય. અમારો પાડોશી દેશ પાકિસ્તાન આતંકવાદ માટે જાણીતો છે પરંતુ પાકિસ્તાન ક્યારેય સફળ થશે નહીં. શાંતિ અને વિકાસ સાથે સાથે ચાલે છે.
ભારતની સ્થિતિ સ્પષ્ટ કરી
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે , 'અમે ગઈ કાલે આ જ મંચ પરથી કેટલીક વિચિત્ર વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ ખૂબ સ્પષ્ટ કરવા માંગુ છું. સરહદ પારના આતંકવાદની પાકિસ્તાનની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેને સજાથી બચવાની કોઇ આશા રાખવી જોઇએ નહીં. તેનાથી વિપરીત કાર્યવાહીના નિશ્વિત પરિણામ હશે. પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય વિસ્તારને ખાલી કરવાનો એકમાત્ર મુદ્દો અમારી વચ્ચે ઉકેલવાનો છે.
ઇઝરાયલ-ગાઝા યુદ્ધ પર કરી વાત
એસ. જયશંકરે કહ્યું, 'અમે 79મી યુએનજીએની થીમ 'કોઈને પાછળ ન છોડવા'નું મજબૂત સમર્થન કરીએ છીએ. આપણે બધા એક મુશ્કેલ સમયમાં અહીં ભેગા થયા છીએ. વિશ્વ હજુ પણ કોવિડ મહામારીના વિનાશમાંથી બહાર આવ્યું નથી. રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશ્યું છે અને ગાઝામાં સંઘર્ષે વધુ વ્યાપક રૂપ લઇ લીધો છે. આ એક એવો યુગ છે જ્યાં સમાધાન કરવું વધુ મુશ્કેલ બની ગયું છે. હાલમાં આપણે શાંતિ અને સમૃદ્ધિ બંન્નેને સમાન રીતે ખતરામાં જોઇ રહ્યા છીએ કારણ કે હવે વિશ્વાસ ખત્મ થઇ ગયો છે.