તિરુવનંતપુરમ: પિનરાઈ વિજયને (Pinarayi Vijayan) સતત બીજી વખત કેરળના મુખ્યમંત્રી (CM of Kerala) તરીકે શપથ લીધા છે. એક સામાન્ય સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. 76 વર્ષીય  મુખ્યમંત્રી વિજયનની કેબિનેટમાં 21 મંત્રીઓ રહેશે . 


શપથ સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજયનને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.  તેમણે કહ્યું કે, “પિનરાઈ વિજયનને મુખ્યમંત્રી પદના શપથ લેવા અને પોતાનો બીજો કાર્યકાળ શરુ કરવા માટે શુભેચ્છા.”



ઉલ્લેખનીય છે કે, બુધવારે કેરળ હાઈકોર્ટે કહ્યું હતું કે, સરકારના ફિજીકલ શપથ ગ્રહણ સમારોહની મંજૂરી ત્યારે આપવામાં આવશે જ્યારે કોવિડ-19 (Covid-19) સંક્રમણના કારણે તેમાં સામેલ થનારા લોકોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે. 


LDF સરકારે શપથ ગ્રહણ સમારોહ પહેલા પિનરઈ વિજનય (Pinarayi Vijayan) અને મનોનીત મંત્રીઓએ 1940માં અહીં થયેલા મજૂર વર્ગના પુન્નાપરા-વાયલાર આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજયન સૌપ્રથમ વાયલારમાં સ્થિત એક સ્મારક પર ગયા હતા અને પાર્ટી કાર્યકર્તાઓના નારા વચ્ચે શહીદોને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. 


પ્રથમ વખત મંત્રી બનનારાઓમાં ડીવાયએફઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિજયનના જમાઈ પીએ મોહમ્મદ રિયાસ, સીપીઆઈના કાર્યકારી રાજ્ય સચિવ એ વિજયરાગવનના પત્ની આર બિંદુ (સીપીઆઈ), જીઆર અનિલ, ચિંચુ રાની અને પી પ્રસાદ (સીપીઆઇ) અને અહમદ દેવરકોવિલ (INL) સામેલ છે.