જમ્મુ કાશ્મીર ઇમરાને ચાલ્યુ ઇસ્લામિક કાર્ડ, કહ્યુ- મુસલમાનો પર અત્યાચારને લઇને ચૂપ છે સંયુક્ત રાષ્ટ્ર
abpasmita.in | 30 Aug 2019 07:06 PM (IST)
વૈશ્વિક સમુદાય પર પોતાનો ગુસ્સો ઠાલતા ઇમરાને કહ્યુ કે, જો કાશ્મીરમાં મુસલમાન ના હોત તો આખી દુનિયામાં હોબાળો મચી ગયો હોત

ઇસ્લામાબાદઃ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન હવે સંયુક્ત રાષ્ટ્ર પર નિશાન સાધી રહ્યું છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મામલા પર શુક્રવારે દેશને સંબોધિત કર્યા હતા અને કહ્યુ હતુ કે, મુસલમાનો પર જ્યારે પણ અત્યાચાર થાય છે તો સંયુક્ત રાષ્ટ્ર શાંત રહે છે. વૈશ્વિક સમુદાય પર પોતાનો ગુસ્સો ઠાલતા ઇમરાને કહ્યુ કે, જો કાશ્મીરમાં મુસલમાન ના હોત તો આખી દુનિયામાં હોબાળો મચી ગયો હોત. જેને આપણે ઇન્ટરનેશનલ કોમ્યુનિટિ કહીએ છીએ જેને સંયુક્ત રાષ્ટ્ર કહીએ છીએ તે મુસલમાનો પર અત્યાચારની વાત પર શાંત રહે છે. એક સમયે બાલાકોટમાં ભારતીય સૈન્ય તરફથી કોઇ પણ કાર્યવાહીથી ઇનકાર કરનાર ઇમરાન ખાને કહ્યુ કે, ભારત હવે બાલાકોટની જેમ પીઓકેમાં પણ કાંઇક કરી શકે છે. આરએસએસ પર વિફરતા ઇમરાને કહ્યુ કે આપણે તેની વિચારધારાને સમજવી પડશે. આ નફરતમાં પેદા થયેલી જમાત છે જે હિંદુઓને જ શ્રેષ્ઠ માને છે. ઇમરાને કહ્યું કે, આરએસએસ મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટિજન બનાવીને રાખવા માંગે છે. આખી દુનિયા જોઇ રહી છે કે કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે. ઇમરાને કહ્યું કે, તેઓ કાશ્મીરના મુદ્દાને વૈશ્વિક સંસ્થાની વાર્ષિક બેઠકમાં ઉઠાવશે. હું સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠાવીશ. મે યુરોપના નેતાઓ, ટ્રમ્પ અને ઇસ્લામિક દેશોના નેતાઓ સાથે કાશ્મીર અંગે વાત કરી છે. જો આજે દુનિયા કાશ્મીરીઓ માટે ઉભી નહી રહે તો તેની અસર આખી દુનિયા પર પડશે.