બેંગકોકમાં PM મોદીએ કહ્યું- ભારતે આતંકવાદ, અલગાવવાદ પાછળના એક મોટા કારણને કર્યું નષ્ટ
abpasmita.in | 02 Nov 2019 09:35 PM (IST)
પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણય અંગે વાત કરતા કહ્યું કે ભારતે આતંકવાદ અને અલગાવવાદ પાછળના એક મોટા કારણને ખતમ કરી દીધું છે.
બેંગકોક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસના પ્રવાસે થાઇલેન્ડ પહોંચ્યા છે. પીએમ મોદી થાઇલેન્ડમાં આસિયાન-ઈન્ડિયા, ઇસ્ટ એશિયા અને RCEP સમિટમાં ભાગ લેશે. બેંગકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં ‘સ્વાસ્દી પીએમ મોદી’ઇવેન્ટમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના નિર્ણય અંગે વાત કરતા કહ્યું કે ભારતે આતંકવાદ અને અલગાવવાદ પાછળના એક મોટા કારણને નષ્ટ કરી દીધો છે. પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર તે લક્ષ્યોને પૂરુ કરવાની દિશામાં કામ કરી રહી છે જે પહેલા અસંભવ પ્રતીત થતા હતા. મોદીએ કહ્યું, જે કામ કરી બતાવે છે, તેમની પાસેથી લોકોની અપેક્ષાઓ પણ વધુ હોય છે. પીએમ મોદીએ કરતારપૂર કોરિડરનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવે શ્રદ્ધાળુઓ સ્વતંત્રતાથી કરતારપૂર સાહિબ જઈ શકશે. પીએમ મોદીએ કહ્યું ગુરુ નાનક દેવજીની 550મી જયંતિના પવિત્ર પર્વ પર ભારત સરકાર વિશ્વભરમાં કાર્યક્રમ આયોજીત કરી રહી છે. ગુરુ નાનક દેવજીના વિચાર સમગ્ર માનવાતની ધરોહર છે. તે આપણી જવાબદારી છે કે પોતાની વિરાસતનો લાભ દુનિયાને આપીએ. તેઓએ કહ્યું ભારતમાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા તીર્થ સ્થળોના આકર્ષણને વધારવા સરકાર સતત કાર્ય કરી રહી છે. લદ્દાખથી લઈ બૌધગયા, સારનાથથી સાંચી સુધી, જ્યાં જ્યા ભગવાન બુદ્ધના સ્થળ છે. તેમની કનેક્ટિવિટી માટે અભૂતપૂર્વ પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં સરકારની અનેક ઉપલબ્ધિઓ ગણાવી હતી. મોદીએ કહ્યું ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા બદલાવના કારણે જનતાએ ફરી તેમની સરકારને જનાદેશ આપ્યો છે. તેઓએ કહ્યું ભારત પાંચ હજાર અરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે દિશામાં આકરી મહેનત કરી રહ્યું છે.