વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સ દ્વારા ‘લીજન ઓફ ઓનર’થી નવાજવામાં આવ્યા હતા. તે ફ્રેન્ચનું સર્વોચ્ચ સન્માન છે. પીએમ મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. વિશ્વભરમાંથી પસંદગીના અગ્રણી નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને લીજન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યું છે. આમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા, વેલ્સના તત્કાલીન રાજકુમાર કિંગ ચાર્લ્સ, જર્મનીના ભૂતપૂર્વ ચાન્સેલર એન્જલા મર્કેલ, સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ મહાસચિવ બુટ્રોસ સહિત અન્ય સામેલ છે.






પીએમ મોદીને ફ્રાન્સ દ્વારા આપવામાં આવેલ આ સન્માન વિવિધ દેશો દ્વારા આપવામાં આવેલા ટોચના આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનોની યાદીમાં સામેલ થઈ ગયું છે. અગાઉ પીએમ મોદીને જૂન 2023માં ઇજિપ્ત દ્વારા ઓર્ડર ઓફ ધ નાઇલ, મે 2023માં પાપુઆ ન્યુ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ, મે 2023માં કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી, મે, 2023માં પલાઉ રિપબ્લિક દ્વારા અબાકલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


2021મા ભૂટાન દ્વારા ડ્રુક ગ્યાલપો, 2020 માં યુએસ સરકાર દ્વારા લીજન ઓફ મેરિટ, 2019 માં બહેરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં, 2019 માં માલદીવ દ્વારા ઓર્ડર ઓફ ધ ડિસ્ટિગ્વિશ્ડ રૂલ ઓફ નિશાન ઇઝુદ્દીન, રશિયા દ્ધારા ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ પુરસ્કાર, 2019માં UAE દ્વારા ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ, 2018માં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડ, 2016માં અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લાહ ખાન અને 2016માં સાઉદી અરેબિયા દ્ધારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સાઉદથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ પહેલા પીએમ મોદીના સન્માનમાં ફ્રાન્સમાં એલિસી પેલેસમાં પ્રાઇવેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના સત્તાવાર નિવાસસ્થાન એલિસી પેલેસમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.  પીએમ મોદી ગુરુવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે પેરિસ પહોંચ્યા હતા. એરપોર્ટ પર ફ્રાન્સના પીએમ એલિઝાબેથ બોર્ન દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.