પેરિસઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણના અંતમાં વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તેનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કલમ 370ના નામનો ઉલ્લેખ કર્યા વિના કહ્યુ હતું કે, આ ટેમ્પરરીને હટાવવામાં 70 વર્ષ લાગી ગયા. મને ખ્યાલ નથી આવતો કે હું તેના પર હસવું કે કે રડવું.

વડાપ્રધાને કહ્યું કે, હિંદુસ્તાનમાં હવે ટેમ્પરરી માટે કોઇ વ્યવસ્થા નથી. તમે જોયું હશે કે 125 કરોડ લોકોનો દેશ, ગાંધી અને બુદ્ધની ધરતી, રામ-કૃષ્ણની ભૂમિ પરથી ટેમ્પરરીને કાઢતા કાઢતા 70 વર્ષ લાગી ગયા. ટેમ્પરરીને કાઢતા 70 વર્ષ લાગી ગયા, મને ખ્યાલ નથી આવતો કે હું હસું કે રડું. મોદીએ પોતાના ભાષણમાં ફૂટબોલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અહીં કરતા ભારતમાં તમારા દેશની ફૂટબોલ ટીમના સમર્થકો છે. અમે પણ પાંચ વર્ષ દરમિયાન અનેક ગોલ નક્કી કર્યા અને તેને પૂરા કર્યા. અનેક કુરીતિઓને અમે રેડ કાર્ડ આપ્યું છે.






મોદીએ કહ્યું કે, સાથીઓ, રિફોર્મ-ટ્રાન્સફોર્મ અને પરમેનન્ટ વ્યવસ્થાઓ સાથે દેશ આગળ વધી રહ્યો છે. નોંધનીય છે કે બંધારણમાં જમ્મુ કાશ્મીરને લઇને કલમ 370નો ઉલ્લેખ હતો. તે ટેમ્પરરી હતો. આ કલમ હેઠળ કાશ્મીરને અનેક સુવિધાઓ મળતી હતી. નોંધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અને રાજ્યસભામાં કલમ 370 હટાવી જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને બંન્ને ગૃહોમાં પાસ કરી દેવાયો હતો.