ટ્રમ્પે પત્રકારોને કહ્યું, ચાલુ વર્ષના અંત સુધી કોરોના વાયરસની રસી વિકસિત થવાની સંભાવના છે. હું થોડા સમય પહેલા જ ભારતથી પરત ફર્યો છું અને અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો છે અને તમે જે લોકો અંગે વાત કરી રહ્યા છો તેમાંથી અનેક લોકો રસી વિકસિત કરવામાં લાગ્યા છે.
ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી મોદીને તેમના ખૂબ સારા મિત્ર ગણાવ્યા. સમાચાર એજન્સી એપીના જણાવ્યા મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે આશા વ્યક્ત કરી કે ચાલુ વર્ષના અંત કે તેના થોડા સમય બાદ કોરોના વાયરસની રસી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. આ મહામારી દરમિયાન અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે વેક્સીન ડેવલપમેન્ટમાં પણ મદદ કરી રહ્યા છીએ. અમે મળીને અદ્રશ્ય શત્રુને હરાવીશું.”
હાલમાં જ અમેરિકાએ કોરોના વાયરસને રોકવા માટે ભારતને વધારાના ત્રણ મિલિયન અમેરિકન ડોલરની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ પહેલા હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને USAIDના માધ્યમથી ભારતને 5.9 મિલિયન અમેરિકન ડોલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.