PM Modi In US : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 જૂન સુધી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે હતાં. અમેરિકાના પ્રવાસ બાદ હવે તેઓ ઈજીપ્તના પ્રવાસે રવાના થઈ ગયા છે. પરંતુ અમેરિકાના દરમિયાન તેમણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમની મુલાકાતના છેલ્લા દિવસે રાજધાની વોશિંગ્ટનમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં આયોજિત એક કાર્યક્રમમાં ડાયસ્પોરાને સંબોધિત કર્યા હતાં. અહીં તેમના કાર્યક્રમમાં રાષ્ટ્રગીત ગાવા માટે આવેલી આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેને પીએમ મોદીની હાજરીમાં ભારતનું રાષ્ટ્રગીત...જન ગણ મન ગાયું હતું. આ દરમિયાન તેણે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા.


મેરી મિલબેને ANIને કહ્યું હતું કે, હું અહીં આવીને ખૂબ જ સન્માનિત મહેસુસ કરૂ છું. વડાપ્રધાન મોદી એક અદ્ભુત અને દયાળુ વ્યક્તિ છે. આ અઠવાડિયે તેમની 'સ્ટેટ વિઝિટ'નો ભાગ બનવું તેમના માટે સન્માનની વાત હતી. મને રાષ્ટ્રગીત ગાતા ભીડને સાંભળવી ખુબ જ ગમ્યું. તમે તેમાં જુસ્સો જોઈ શકતા હતાં. આજે રાત્રે અહીં આવવું મારા માટે સાચા સન્માનની વાત છે.


અનેક અગ્રણી નેતાઓ અને અધિકારીઓને મળ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન ઘણા અગ્રણી નેતાઓ અને કંપનીઓના ટોચના અધિકારીઓને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, યુએસ પ્રમુખ જો બિડેન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ઈલોન મસ્કને પણ મળ્યા હતા.




પીએમ મોદી ઇજિપ્ત જવા રવાના થયા


વડાપ્રધાન ઇજિપ્ત જવા રવાના થયા તે પહેલાં તેમને એરપોર્ટ પર ભારતમાં અમેરિકી એમ્બેસેડર દ્વારા ભેટો આપવામાં આવી હતી અને અમેરિકાના તમામ સશસ્ત્ર દળોની ટુકડીઓ દ્વારા પીએમ મોદીને સલામી આપવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમના પત્ની ઉપરાંત અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને શુક્રવારે (23 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે લંચનું આયોજન કર્યું હતું. 


ભોજન સમારંભના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે,આ ભવ્ય સ્વાગત માટે તમારો ખૂબ ખૂબ આભાર. ભારત-અમેરિકા સંબંધોની મધુર ધૂન આપણા લોકો વચ્ચેના સંબંધોથી બનેલી છે. પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો. પીએમે તેમના સંબોધન દરમિયાન કહ્યું, સૌ પ્રથમ હું આ ભવ્ય સ્વાગત માટે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા બંને દ્વારા બોલાયેલા ઉષ્માભર્યા શબ્દો માટે પણ હું હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું. રાજ્ય વિભાગમાં ફરી એકવાર તમારા બધાની વચ્ચે હાજર રહીને મારા માટે આનંદની વાત છે.