વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ન્યૂયોર્કમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત ન્યૂયોર્કની લોટે ન્યૂયોર્ક પેલેસ હોટલમાં થઈ હતી. પીએમ મોદીએ ગાઝામાં માનવીય પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પેલેસ્ટિનિયન લોકો પ્રત્યે ભારતના સતત સમર્થનની વાત કરી હતી.






પીએમ મોદીએ આતંકી હુમલાની નિંદા કરી હતી


ભારત લાંબા સમયથી ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધમાં બે-રાજ્ય સમાધાન પર વિચાર કરી રહ્યું છે. વડાપ્રધાન મોદી 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા ઇઝરાયલ પરના ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરનાર પ્રથમ વૈશ્વિક નેતાઓમાંના એક હતા, પરંતુ ભારતે ગાઝાની બગડતી પરિસ્થિતિ અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે.


ભારતે માનવતાવાદી સહાય પણ મોકલી


ભારતે તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ગાઝાના લોકોને માનવતાવાદી સહાય પણ મોકલી હતી. જૂલાઈમાં ભારતે વર્ષ 2024-25 માટે ભારતમાં પેલેસ્ટાઈન શરણાર્થીઓ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સીને 2.5 મિલિયન ડોલરનો પ્રથમ હપ્તો જાહેર કર્યો હતો.


કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પણ મુલાકાત કરી


વડાપ્રધાન મોદીએ નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબા ખાલિદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે પણ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે વડાપ્રધાન મોદીએ ભારત-કુવૈત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને ઐતિહાસિક સંબંધો અને મજબૂત સંપર્કોને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.


નેપાળ સાથે સહયોગ વધારવા પર ચર્ચા


વડાપ્રધાન ઓલી સાથેની બેઠકમાં વડાપ્રધાન મોદીએ વર્ષો જૂની બહુઆયામી અને વિસ્તારિત ભારત-નેપાળ ભાગીદારીના તમામ ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરવા પરસ્પર હિતની બાબતો પર ચર્ચા કરી હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે. રવિવારે (ભારતીય સમય અનુસાર) PM મોદીએ ન્યૂયોર્કમાં સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સથી લઈને બાયોટેકનોલોજી ક્ષેત્રની અનેક ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી. CEO રાઉન્ડ ટેબલ મીટિંગમાં Adobeના ચેરમેન અને CEO શાંતનુ નારાયણ, Google CEO સુંદર પિચાઈ, IBMના CEO અરવિંદ કૃષ્ણા, AMDના ચેરમેન અને CEO લિસા સુ, મોડર્નાના ચેરમેન નૂબર અફયાન-ચેરમેન હાજર હતા. મોટી યુએસ કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન મોદીએ AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે વધુ સહયોગને પ્રોત્સાહન આપવા ચર્ચા કરી હતી.