PM Modi Egypt visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે ઇજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન 'ઓર્ડર ઓફ ધ નાઇલ' એનાયત કરવામાં આવ્યું હતું. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ દ્વિપક્ષીય બેઠક પહેલા પીએમને પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો હતો. બંને નેતાઓએ તેમની બેઠક દરમિયાન એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા. 1997 પછી ભારતીય વડાપ્રધાન દ્વારા આફ્રિકન દેશની મોદીની પ્રથમ મુલાકાત છે.


ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન


નોંધનીય છે કે 26 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની ઈજિપ્તની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ દરમિયાન ઇજિપ્તે પીએમ મોદીને તેનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નાઇલ આપ્યું હતું. આ સન્માન વર્ષ 1915માં શરૂ કરવામાં આવ્યું હતું. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેમણે ઇજિપ્ત અથવા માનવતાની સેવા કરી હોય. વડાપ્રધાન મોદીને મળેલું આ 13મું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે. નાઇલનો ઓર્ડર શુદ્ધ સોનાનો બનેલો છે, જેમાં ઇજિપ્તના પ્રાચીન શાસકો, રાજાઓના પ્રતીકો છે.


પીએમ મોદીએ અલ હકીમ મસ્જિદની મુલાકાત લીધી


આ પહેલા વડાપ્રધાને કૈરોમાં દેશની 11મી સદીની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. આ મસ્જિદને ભારતના દાઉદી બોહરા સમુદાયની મદદથી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પીએમ મોદીને મસ્જિદની જગ્યા બતાવવામાં આવી હતી જેનું રિનોવેશન ત્રણ મહિના પહેલા પૂર્ણ થયું હતું. 


અલ હકીમ એ કૈરોની ચોથી સૌથી જૂની મસ્જિદ છે અને ઇજિપ્તની રાજધાનીમાં બનેલી બીજી ફાતિમિદ મસ્જિદ છે. તેનું ક્ષેત્રફળ 13,560 ચોરસ મીટર છે, જેમાંથી આઇકોનિક સેન્ટ્રલ કોર્ટયાર્ડ 5,000 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ભારતમાં સ્થાયી થયેલ બોહરા સમુદાય ફાતિમીઓમાંથી ઉદ્ભવ્યો છે. તેમણે 1970થી મસ્જિદનું નવીનીકરણ કર્યું અને ત્યારથી તેની જાળવણી કરી રહ્યા છે. વડાપ્રધાન મસ્જિદની દિવાલો અને દરવાજા પરની જટિલ કોતરણીની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. આ મસ્જિદ 1012માં બનાવવામાં આવી હતી.


ઇજિપ્તના મોટા ધર્મગુરુએ કહ્યું..


ઇજિપ્તના સૌથી મોટા મૌલવી મુફ્તી ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ કરીમ અલ્લામ રવિવારે કૈરોમાં પીએમ મોદીને મળ્યા હતા. તેમણે મોદીને એક ખાસ ભેટ પણ આપી હતી, આ ભેટમાં એક આર્ટવર્ક છે. જેમાં નાવિક બોટને ખેડતો જોવા મળે છે. મુફ્તીએ પીએમ મોદી સાથેની મુલાકાતને સન્માનની વાત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતે ઘણો વિકાસ કર્યો છે. તેમણે ભારત જેવા મોટા દેશમાં મોદીના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી. મુફ્તી શૌકીએ કહ્યું હતું કે, પીએમ મોદીએ એવી નીતિઓ બનાવી છે કે, ભારતમાં તમામ સમુદાયો સહઅસ્તિત્વ ધરાવે છે.


હેલિયોપોલિસ વોર સેમેટ્રી ખાતે પીએમ મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૈરોમાં હેલિઓપોલિસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં બહાદુરીપૂર્વક લડતા લડતા તેમના જીવનની આહુતિ આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ કબ્રસ્તાનમાં શહીદ ભારતીય જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યાં રાખવામાં આવેલી વિઝિટર બુક પર હસ્તાક્ષર કર્યા હતાં. કબ્રસ્તાનમાં હેલિઓપોલિસ (પોર્ટ તૌફિક) સ્મારક અને હેલિઓપોલિસ (એડન) સ્મારકનો સમાવેશ થાય છે. હેલીઓપોલિસ (પોર્ટ તૌફીક) સ્મારક લગભગ 4,000 ભારતીય સૈનિકોને સમર્પિત છે જેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને પેલેસ્ટાઇનમાં લડતા લડતા પોતાના જીવની આહૂતી આપી હતી. 


https://t.me/abpasmitaofficial