PM Narendra Modi in Australia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. મંગળવારે તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. સિડનીના એરેના સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં 25 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. પીએમ મોદી 2014 બાદ પહેલીવાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગતા હતાં. પીએમ મોદી ભારતીય સમુદાય તેમની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે સિડનીના એરેના સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને એક ખાસ અપીલ કરી હતી. 


અલ્બેનીઝે પીએમ મોદીને કહ્યું 'બોસ'


પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત 'નમસ્તે ઓસ્ટ્રેલિયા'થી કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાના પીએમને પોતાના 'મિત્ર' ગણાવ્યા હતાં. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પીએમ મોદીને 'બોસ' કહીને આવકાર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, અલ્બેનીઝનું સંબોધન દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયાને ભારત માટે કેટલો પ્રેમ છે. તેમણે કહ્યું, 'આભાર, મારા મિત્ર એન્થોની'.


ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને પીએમ મોદીની ખાસ અપીલ


વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તાજેતરમાં જ જ્યારે ભૂકંપે તુર્કીમાં તબાહી મચાવી હતી, ત્યારે ભારતે 'ઓપરેશન દોસ્ત' દ્વારા મદદનો હાથ લંબાવ્યો હતો. ભારત પોતાના હિતોને બધાના હિત સાથે જોડી રાખે છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, આ આપણો આધાર અને વિઝન છે. આવનારા સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફ્લાઈટ્સની સંખ્યામાં વધારો થશે. બંને દેશો એકબીજાની ડિગ્રીને માન્યતા આપવા તરફ પણ આગળ વધ્યા છે. આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું ત્યારે હું પણ એક જાહેરાત કરવા જઈ રહ્યો છું. બ્રિસ્બેનમાં ભારતીય સમુદાયની લાંબા સમયથી માંગ છે. ટૂંક સમયમાં બ્રિસ્બેનમાં ભારતનું નવું કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ગાઢ ભાગીદારી સૌકોઈને સશક્ત બનાવશે. તમે બધા ઓસ્ટ્રેલિયામાં ભારતના સાંસ્કૃતિક રાજદૂત છો. ભારતના બ્રાન્ડ એમ્બેસેડર. મારી વાત પૂરી કરતા પહેલા મારે તમને એક વાત પૂછવી છે. અપીલ કરતા ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોને પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે પણ તમે ભારત આવો ત્યારે એક અથવા બે ઓસ્ટ્રેલિયન મિત્ર અને તેમના પરિવારને તમારી સાથે ભારત લાવો. આનાથી તેમને ભારતને જાણવા અને સમજવાની તક મળશે. 


લખનૌ પણ સિડનીની નજીક : પીએમ મોદી


પીએમ મોદીએ ભારતીય સમુદાયને વડાપ્રધાન અલ્બેનીઝને ચાટ ઓફર કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'મેં સાંભળ્યું છે કે, સિડની પાસે લખનૌ નામની જગ્યા પણ છે. પરંતુ ખબર નથી કે ત્યાં ચાટ મળે છે કે નહીં. પરંતુ મને એ જાણીને આનંદ થયો કે તમે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવ્યો છે. જ્યારે સિડની ઓપેરા હાઉસને તિરંગામાં રંગવામાં આવ્યું ત્યારે ભારતમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.