White House : અમેરિકાની સરકારી મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ જો બાઈડેન માનવાધિકારનું જ્ઞાન નહીં આપે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે, બંને દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત પૂર્વનિર્ધારિત મુદ્દાઓ પર જ થશે. અમેરિકા ઈચ્છે છે ક, ચીન સામે મજબૂત હરીફ બનવા માટે ભારત તેની સાથે હાથ મિલાવશે. વડાપ્રધાન મોદી પણ સમગ્ર વિશ્વમાં ભારતનો પ્રભાવ વિસ્તારવા માંગે છે. આ સ્થિતિમાં તેઓ અમેરિકા સાથે ભારતના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદી અને જો બાઈડેનની મુલાકાત દરમિયાન ભારતમાં અમેરિકન કંપનીઓના રોકાણને લઈને અનેક સમજૂતીઓની જાહેરાત થઈ શકે છે, જેમાં સંરક્ષણ સહયોગ અને શસ્ત્રોના વેચાણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને માઈક્રો ટેક્નોલોજીમાં સહયોગ સામેલ છે.


બાઈડેન પીએમ મોદીને જ્ઞાન નહીં આપે : અમેરિકન NSA


વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું હતું કે, બાયડેન ભારતમાં લોકતાંત્રિક પતન અંગે અમેરિકાની ચિંતા વ્યક્ત કરે તેવી અપેક્ષા છે, પરંતુ તે આ વિષય પર પીએમ મોદીને સમજાવશે નહીં. જ્યારે અમેરિકા પ્રેસ, ધાર્મિક અથવા અન્ય સ્વતંત્રતાઓને પડકારો જુએ છે ત્યારે અમે અમારા મંતવ્યો જાહેર કરીએ છીએ, સુલિવને જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, અમે આમ એક રીતે કરીએ છીએ કે જ્યાં અમે પ્રવચન આપવાનો પ્રયાસ કરતા નથી અથવા દાવો કરતા નથી કે અમારી પાસે અમારા પોતાના પડકારો નથી.


લોકશાહી સંસ્થાઓનો પ્રશ્ન ભારતીયો જ સુનિશ્ચિત કરશે


યુએસ NSA સુલિવને કહ્યું હતું કે, ભારતમાં રાજકારણ અને લોકતાંત્રિક સંસ્થાઓનો પ્રશ્ન ક્યાં જાય છે, તે ભારતીયો નક્કી કરશે. અમેરિકા દ્વારા નક્કી કરી શકાતું નથી. 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી પાંચમી વખત અમેરિકા ગયા છે, પરંતુ ત્યાં હાજર ભારત વિરોધી તત્ત્વો તેમની વિરૂદ્ધ વાતાવરણ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે. તમામ પ્રચાર છતાં અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં પીએમ મોદીની લોકપ્રિયતા અન્ય તમામ વૈશ્વિક નેતાઓની સરખામણીએ ઘણી ઝડપથી વધી છે. તેનો પુરાવો હાલમાં જ પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જોવા મળ્યો, જ્યારે વડાપ્રધાન એન્ટોની અલ્બેનિસે પીએમ મોદીને બોસ કહીને સંબોધ્યા હતાં.


અમેરિકન નેતાઓએ ભારતને લઈ છે આ વાતનું દબાણ 


અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પર તેમની ડેમોક્રેટિક પાર્ટીના કેટલાક સભ્યો દ્વારા પીએમ મોદી સાથે માનવાધિકારનો મુદ્દો ઉઠાવવાનું દબાણ છે. કેટલાક નેતાઓએ આ અંગે બાઈડેનને પત્ર પણ લખ્યો છે. જોકે, અમેરિકા અને ભારત બંનેએ સત્તાવાર રીતે આવી માંગનો જવાબ આપ્યો નથી. સુલિવને કહ્યું હતું કે, પીએમ મોદીની મુલાકાત ચીનને લઈને નથી, પરંતુ સૈન્ય ક્ષેત્ર, ટેકનોલોજી ક્ષેત્ર, આર્થિક ક્ષેત્રમાં ચીનની ભૂમિકાનો પ્રશ્ન એજન્ડામાં હશે. પીએમ મોદી બુધવારે ફર્સ્ટ લેડી જીલ બાઈડેન સાથે નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લેશે અને બુધવારે રાત્રે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેન સાથે સ્ટેટ ડિનર લેશે.