PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાની મુલાકાતના ભાગરૂપે વ્હાઈટ હાઉસ આવી પહોંચ્યા હતાં. અહીં તેમનું પ્રમુખ જો બાઈડેન અને તેમના પત્ની જીલ બાઈડને આવકાર્યા હતાં. આ દરમિયાન વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈડેન ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ઘણા અધિકારીઓ અહીં હાજર હતા. આ દરમિયાન પીએમ મોદીએ 30 વર્ષ પહેલાનો એક કિસ્સો કહી સંભળાવ્યો હતો. 


વ્હાઈટ હાઉસમાં મુલાકાત બાદ પીએમ મોદી પહેલા પીએમ મોદી અને જો બાઈડનનું ટુંકુ ભાષણ થયું હતું. સૌથી પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પીચ આપી હતી. જેમાં બાઈડને કહ્યું હતું કે, તેઓ સન્માનિત મહેસુસ કરે છે કે, અમેરિકા 15 વર્ષ બાદ ફરી એકવાર ભારતની સરકારી મુલાકાતનું આયોજન કરી રહ્યું છે. જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો ત્યારે મેં પીએમ મોદી સાથે ઘણો સમય વિતાવ્યો હતો. હું રાષ્ટ્રપતિ બન્યો ત્યારથી મેં આ જાળવી રાખ્યું છે.


જો બાઈડેને શું કહ્યું?


આ દરમિયાન જો બાઈડને કહ્યું હતું કે, ભારત અને અમેરિકા દરેક વિષય પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આ બધું ભારત, અમેરિકા અને વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે જે પણ નિર્ણય લઈએ છીએ તેની અસર આવનારી પેઢીઓને થશે. તેમણે કહ્યું હતું કે, બંને દેશો ગરીબી નાબૂદ કરવા, આરોગ્ય સંભાળની પહોંચ વધારવા, ક્લાઈમેટ ચેન્જને સંબોધિત કરવા અને યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે ખોરાક અને ઊર્જાની અસુરક્ષાને પહોંચી વળવા પર સાથે મળીને કામ કરી રહ્યા છે.


બાઈડેને કહ્યું કે, અમે સ્વતંત્ર, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે ક્વાડને મજબૂત બનાવ્યું છે. હવેથી દાયકાઓ પછી, લોકો પાછળ જોશે અને કહેશે કે ક્વાડે વૈશ્વિક સારા માટે ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો. તેમણે વધુમાં કહ્યું કે હું હંમેશા માનતો આવ્યો છું કે અમેરિકા અને ભારત વચ્ચેનો આ સંબંધ 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. આપણા બંધારણના પ્રથમ શબ્દો છે કે 'આપણે, દેશના નાગરિકો, આપણા લોકો અને સહિયારા મૂલ્યો વચ્ચે કાયમી સંબંધ ધરાવીએ છીએ અને વર્તમાન સમસ્યાઓનો સામનો કરવા માટે વૈશ્વિક નેતાઓ તરીકે આપણી સહિયારી જવાબદારી છે.






પીએમ મોદીએ શું કહ્યું?


બાઈડેનના સ્વાગત પ્રવચન બાદ વડાપ્રધાન મોદીએ મિત્રતા માટે આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, વ્હાઈટ હાઉસમાં આજે આ ભવ્ય સ્વાગત 140 કરોડ ભારતીયો માટે સન્માનની વાત છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, હું ત્રણ દાયકા એટલે કે 30 વર્ષ પહેલા હું અમેરિકા આવ્યો હતો. તે સમયે જ્યારે હું અમેરિકા આવ્યો હતો ત્યારે એક સામાન્ય વ્યક્તિના રૂપમાં આવ્યો હતો. એ વખતે મેં વ્હાઈટ હાઉસને બહારથી જ ઉભા રહીને જોયું હતું. આમ કહેતા કહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસી પડ્યાં હતાં. પીએમ મોદી હસતા જ વ્હાઈટ હાઉસના પટાંગણમાં મોટી સંખ્યામાં હાજર લોકો પણ હસી પડ્યાં હતાં. 


ત્યાર બાદ પીએમ મોદીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, વડાપ્રધાન બન્યા બાદ હું ઘણી વખત અમેરિકા આવ્યો છું પરંતુ આટલી મોટી સંખ્યામાં ભારતીયો માટે પહેલીવાર જ વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવામાં આવ્યા છે.


પીએમએ ઉમેર્યું હતું કે, આજે વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત સમારોહ દ્વારા ભારતના 140 કરોડ દેશવાસીઓ એક રીતે સન્માનિત અને ગર્વ અનુભવે છે. આ સન્માન અમેરિકામાં રહેતા 40 લાખથી વધુ ભારતીય લોકો માટે પણ સન્માન છે. ભારતીય સમુદાયના લોકો પોતાની મહેનત અને સમર્પણથી અમેરિકામાં ભારતની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે. તમે જ અમારા સંબંધની સાચી તાકાત છો. મને આ સન્માન આપવા બદલ હું રાષ્ટ્રપતિ બિડેન અને ડૉ. જીલ બિડેનનો આભાર માનું છું.