Virtual Conference Of G-20: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ બુધવારે ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં વાર્ષિક સમિટમાં નક્કી કરાયેલા પરિણામો અને ક્રિયાના મુદ્દાઓને આગળ વધારશે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની પણ ચર્ચા થશે.






વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા G-20 નેતાઓની ડિજિટલ સમિટનું આયોજનના એક દિવસ અગાઉ ભારતે મંગળવારે જણાવ્યું હતું કે આ બેઠક દિલ્હી ઘોષણાના (Delhi Declaration)  અમલીકરણ પર ચર્ચા કરવા, મુખ્ય પડકારો પર સહકાર વધારવા અને વૈશ્વિક શાસનમાં ખામીઓને દૂર કરવાની તક આપશે.                  


સમિટ પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતના G-20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટની સફળ યજમાની બાદ સંજોગો બદલાયા છે. નવી દિલ્હી ઘોષણા સર્વસંમતિથી સ્વીકારવામાં આવી ત્યારથી વિશ્વએ એક પછી એક ઘણી ઘટનાઓ જોઈ છે અને ઘણા નવા પડકારો ઉભા થયા છે.                           


તેમણે કહ્યું કે બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસ હશે, જ્યારે નેતાઓ અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી શકે છે. તેમણે કહ્યું, “આ ડિજિટલ સમિટ માત્ર ઘોષણાઓના અમલીકરણ અંગે ચર્ચા કરવાની તક પૂરી પાડશે નહીં, પરંતુ નેતાઓને વિચારોની આદાન-પ્રદાન કરવાની અને આપણે જે ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છીએ તેના પર સહકાર વધારવાની તક પણ આપશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન બુધવારે સાંજે 5.30 કલાકે શરૂ થનારી સમિટની અધ્યક્ષતા કરશે.