નવી દિલ્હીઃ બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયામાં બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક મંદી છતાં બ્રિક્સ દેશોએ આર્થિક વિકાસને ગતિ આપી છે. કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં સૌથી ઓપન અને બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરરમેન્ટ છે. આ પહેલા પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.

PM મોદીએ કહ્યું કે, આપણા પાંચ દેશો વચ્ચે ટેક્સ અને કસ્ટમ પ્રક્રિયા સરળ થઈ રહી છે. બિઝનેસ એન્વાયર્મેન્ટ સરળ થઈ રહ્યું છે. વેપાર ખર્ચ ઓછો કરવા માટે તમારા સૂચન ખૂબ ઉપયોગ થશે. 10 વર્ષ માટે આપણા વચ્ચે બિઝનેસમાં પ્રાથમિકતાના ક્ષેત્રોની ઓળખ કરવામાં આવે અને તેના આધારે સહયોગની બ્લૂપ્રિંટ બનાવવામાં આવે. આપણી માર્કેટ સાઇઝ અને વિવિધતા એકબીજા માટે ખૂબ ફાયદાકારક છે.


બ્રિક્સ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે કહ્યું, ચેન્નઇની મુલાકાતે અમારી યાત્રાને એક નવી ઉર્જા અને ગતિ આપી છે. એજન્ડા વિના એક-બીજાના દેશોની સ્થિતિ, વૈશ્વિક પરિસ્થિતિ અને મનને જાણવાના પ્રયાસમાં અમે સફળ રહ્યા.ચેન્નઇમાં જે વાત થઇ તેના પર અમારી ટીમ ફોલોઅપ કરી રહી છે. મને વિશ્વાસ છે કે આ ચીજોને આગળ વધારવામાં અમારી સુવિધા હજુ વધતી જશે.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રધાનમંત્રી મોદીને આગામી વર્ષે વિક્ટ્રી ડે પર મોસ્કો આવવાનું આમંત્રણ આપ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ પીએ મોદીએ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.