નવી દિલ્હી: દુનિયામાં ફેસબુક પેજને પ્રમોટ કરવા માટે નેતાથી લઈ અભિનેતા સુધી ભલે પૈસા ખર્ચ કરતાં હોય પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કંઈ પણ આવું કર્યાં વગર સોશિયલ મીડિયાના કિંગ તરીકે ઉભર્યા છે. ‘2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુક’ના રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના તમામ મોટા નેતાઓને પાછળ છોડી પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ રિપોર્ટ વાર્ષીક ડિપ્લોમેસી તૈયાર કરતી સ્ટડીનો એક ભાગ છે. આ રિપોર્ટને જાણીતી સંચાર એજન્સી બીસીડબલ્યૂએ તૈયાર કર્યો છે. આ લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ફેસબુક પર સૌથી ઈંગેજ્ડ વૈશ્વિક નેતા છે. દુનિયાભરના તાકાતવર નેતાઓ સોશિયલ મીડિયા પર પકડ જાણવા માટે ફેસબુકના ક્રાઉડટેંગલ ટૂલની મદદથી 962 ફેસબુક પેજોની એક્ટિવીટીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.



રિપોર્ટ અનુસાર, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઈવેટ ફેસબુક પેજ પર 4.33 કરોડ લાઈક્સ છે, જ્યારે તેમના અધિકારીક પેજને 1.37 કરોડ લાઈક્સ મળ્યા છે. જ્યારે બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રાઈવેટ પેજ પર 2.30 કરોડ લાઈક્સ મળ્યાં છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિને લોકો ફેસબુક પર ઘણા પ્રશ્નો કરે છે. તેમના પેજ પર 8.40 કરોડ લોકો અત્યાર સુધીમાં ટ્રમ્પ સાથે વાતચીત કરી ચુક્યા છે.


આ લિસ્ટમાં જોર્ડનના સુલતાન અબ્દુલ્લાહની પત્નીને ત્રીજું સ્થાન મળ્યું છે. જોર્ડનની પત્ની રનિયા જોર્ડનના ફેસબુક પર 1.69 કરોડ લાઈક્સ મળ્યા છે. રનિયા જોર્ડન સામાજિક સરોકારોમાં હંમેશા ભાગ લે છે. આ સાથે રનિયા ફેસબુક સાથે ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યૂ-ટ્યુબ પર પણ ઘણી એક્ટીવ રહે છે.

બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને આ લિસ્ટમાં ચોથુ સ્થાન મળ્યું છે. બ્રાઝિલના 38માં રાષ્ટ્રપતિ બનનારા જાયર ફેસબુક પર દુનિયાના સૌથી ઈંગેજ્ડ વિશ્વ નેતા છે. તેમના પેજ પર 14.5 કરોડ લોકો દ્વારા કરવામાં આવેલા સંવાદ નોંધાયેલા છે.