Politics Ban: અફઘાનિસ્તાનમાં રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થવા પર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. જો કોઈ આવું કરતા પકડાઈ જાય તો તેને જેલની સજા થશે. વાસ્તવમાં તાલિબાનની વચગાળાની સરકારે અફઘાનિસ્તાનમાં રાજકીય પક્ષોને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દીધા છે. આ નિર્ણય પાછળ શરિયા કાયદોનો હવાલો આપવામાં આવ્યો છે.






ધ ખોરાસાન પોસ્ટ અનુસાર, અફઘાનિસ્તાનની વચગાળાની તાલિબાન સરકારમાં ન્યાય પ્રધાન મૌલવી અબ્દુલ હકીમ શેરાઈએ રાજકીય ગતિવિધિઓ અને પક્ષો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જે પણ રાજકીય ગતિવિધિઓમાં સંડોવાયેલા જોવા મળશે તેને સખત સજા કરવામાં આવશે અને જેલમાં મોકલવામાં આવશે. ઈસ્લામિક શરિયામાં રાજકીય પક્ષોનો કોઈ ખ્યાલ નથી.


તાલિબાનની વાપસીને બે વર્ષ પૂર્ણ થયા


તાલિબાને તાજેતરમાં અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યાના બે વર્ષ પૂર્ણ કર્યા છે. 2021 માં, 15 ઓગસ્ટના રોજ, તાલિબાને કાબુલ પર કબજો કર્યો. આ પછી આખા દેશનું નિયંત્રણ તેમના હાથમાં લીધું હતું. અને પછી ઇસ્લામિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મહિલાઓના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે અને તેમને ભણવા કે કામ કરવાની પણ છૂટ નથી.


દેશની અર્થવ્યવસ્થા ડહોળાઈ રહી છે


અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી સ્થિતિ ખરાબ ચાલી રહી હતી. પરંતુ તાલિબાનની વાપસી બાદ પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. અફઘાનિસ્તાન આર્થિક રીતે ખૂબ પછાત છે. દેશની અર્થવ્યવસ્થા કથળી છે અને ગરીબી વ્યાપક છે. આટલું જ નહીં તાલિબાનની વાપસીને કારણે અફઘાનિસ્તાનને મળતી વિદેશી મદદ પણ બંધ થઇ ગઇ છે.


તાલિબાનને માન્યતા નહીં


બે વર્ષ પછી પણ તાલિબાન સરકારને દુનિયાભરના દેશોએ માન્યતા આપી નથી. રશિયા, ચીન, પાકિસ્તાન જેવા દેશોએ પાછલા બારણે તાલિબાન સાથે વાતચીત ચાલુ રાખી છે. પરંતુ કોઈ દેશ તાલિબાનને માન્યતા આપવા તૈયાર નથી. તેનું મુખ્ય કારણ મહિલાઓના અધિકારોમાં કરવામાં આવેલ ઘટાડો છે. આંતરરાષ્ટ્રીય સમુદાય મહિલાઓના અધિકારોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યું છે.