ગૃહમંત્રી બનાવ્યાની જાહેરાતના થોડા કલાક પહેલા જ પ્રીતિએ કહ્યું હતું કે, એ મહત્વપૂર્ણ છે કે કેબિનેટ આધુનિક બ્રિટન અને આધુનિક કંઝર્વેટિવ પાર્ટીને પ્રદર્શિત કરે. ગુજરાતી મૂળના નેતા પ્રીતિ બ્રિટનમાં ભારતીય મૂળના લોકોના તમામ મુખ્ય કાર્યક્રમોમાં અતિથિ હોય છે અને તેમણે બ્રિટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્સાહી પ્રશંસક તરીકે પણ જોવામાં આવે છે. બ્રિટનના યુરોપિયન સંઘ (ઇયુ)માંથી બહાર થવાના પક્ષમાં જૂન 2016ના જનમત સંગ્રહના નેતૃત્વમાં પ્રીતિ પટેલે વોટ લીવ અભિયાન ચલાવ્યું હતું.
47 વર્ષના પ્રીતિ પટેલ સૌથી પહેલાં વિટહૈમથી 2010મા સાંસદ તરીકે પસંદ થયા હતા. 2015 અને 2017મા તેમણે આ સીટ પરથી જીત નોંધાવી હતી. તેઓ કેમરૂન સરકારમાં રોજગાર રાજ્યમંત્રી પણ રહી ચૂકયા છે. 29 માર્ચ 1972ના રોજ લંડનમા જન્મ. તેમના માતા-પિતા યુગાંડાથી સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવામા આવતા બ્રિટન આવી ગયા હતા. પ્રીતિ પટેલે કીલ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને એસેક્સ યૂનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે.