Putin Gifts Limousine: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી, જે છેલ્લા 24 વર્ષમાં તેમની પ્રથમ મુલાકાત હતી. આ દરમિયાન, પુતિને કિમ જોંગ-ઉનને એક વૈભવી ઓરસ લિમોઝિન ભેટમાં આપી, જે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વધતા સૈન્ય સહયોગ વધારવાની ચિંતાઓ વચ્ચે મજબૂત થતી વ્યૂહાત્મક ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે. 71 વર્ષીય રશિયન રાષ્ટ્રપતિએ કિમને ઓરસ લક્ઝરી કાર ભેટમાં આપી, આ બીજી વખત છે જ્યારે ઉત્તર કોરિયાના નેતાને પુતિન પાસેથી આ કાર મળી છે.


ટીઓઇના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ પુતિને લિમોઝીન કાર સાથે સાથે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ચાનો સેટ પણ ભેટમાં આપ્યો છે. બેઠક દરમિયાન પુતિને ઉત્તર કોરિયાના નેતાને રશિયન બનાવટની ઓરસ કારમાં સવારી કરાવી હતી જે સાથે તેમની  દિવસભરની ચર્ચા ખત્મ થઇ હતી. ગત સપ્ટેમ્બરમાં કિમ જોંગની રશિયાની મુલાકાત દરમિયાન પુતિને તેમને ઓરસ મોટર્સની એક્ઝિક્યુટિવ કારનું મોડલ બતાવ્યું હતું.


તાસ ન્યૂઝ અનુસાર, પુતિને આ પહેલા ફેબ્રુઆરીમાં કિમ જોંગ ઉનને ઓરસ ભેટ આપી હતી. જો કે તે સમયે આ વાહનના મોડલનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો.


ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું, "જ્યારે ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાના નેતા વોસ્ટોચની કોસ્મોડ્રોમ સ્પેસપોર્ટ પર હતા ત્યારે તેમણે આ કાર જોઈ હતી. તે દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને વ્યક્તિગત રીતે કિમ જોંગને આ કાર બતાવી હતી. ત્યાર બાદ તેમને આ કાર પસંદ આવી હતી. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેઓ કિમ જોંગને આ કાર ભેટ તરીકે આપશે.


લક્ઝરી કાર બ્રાન્ડની શરૂઆત 2013માં થઈ હતી


રશિયાની પ્રથમ લક્ઝરી કાર બ્રાન્ડ Aurus 2013 માં ઉદ્યોગ અને વેપાર મંત્રાલય સાથેના કરાર હેઠળ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સરકારી અધિકારીઓ અને સામાન્ય જનતા બંને માટે વાહનો વિકસાવવાનો હતો.