Russia-Wagner Chief: પ્રાઈવેટ આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવજેની પ્રિગોઝિન દ્વારા રશિયામાં કરવામાં આવેલા બળવાને લઈને એક મહત્વનો ઘટસ્ફોટ થયો છે. જેનાથી શંકા સેવાઈ રહી છે કે, શું આ આખો ઘટનાક્રમ એક પ્લાનનો હિસ્સો હતો? ખુદ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આજે આ બાબતને લઈને ખુલાસો કર્યો છે. 


દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન બળવાના પાંચ દિવસ પછી વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનને મળ્યા હતા. એપીના અહેવાલ મુજબ, ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 29 જૂનના રોજ ત્રણ કલાકની બેઠક યોજાઈ હતી અને તેમાં પ્રિગોઝિન દ્વારા સ્થાપિત લશ્કરી કંપનીના કમાન્ડર પણ સામેલ હતા.


વેગનરના ભાડૂતી સૈનિકો યુક્રેનમાં રશિયન સૈનિકો સાથે લડ્યા હતાં. રશિયાના ટોચના સૈન્ય અધિકારીઓ સાથે પ્રિગોઝિનના લાંબા સમયથી ચાલતા સંઘર્ષને કારણે 24 જૂને વેગનરની આગેવાનીમાં સશસ્ત્ર બળવો થયો હતો. તેણે રશિયામાં તેના લડવૈયાઓનું નેતૃત્વ કર્યું હતું. વેગનરના ચીફ પ્રિગોઝિને બેલારુસમાં દેશનિકાલ માટેના કરાર પછી બળવાનો અંત આણ્યો હતો. 


યુદ્ધભૂમિ પરના કાર્યોનું મૂલ્યાંકન


ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, 29 જૂનની બેઠક દરમિયાન પુતિને યુક્રેનમાં યુદ્ધના મેદાનમાં વેગનરના કાર્યો અને 24 જૂનની ઘટનાઓનું મૂલ્યાંકન રજૂ કર્યું હતું. ક્રેમલિનના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ કમાન્ડરોના ખુલાસા પણ સાંભળ્યા અને તેમને વધુ રોજગાર અને યુદ્ધમાં વધુ ભાગીદારીની ઓફર કરી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો. 


મીટિંગ દરમિયાન, કમાન્ડરોએ વ્લાદિમીર પુતિનની સામે પોતપોતાના મુદ્દાઓ રાખ્યા હતાં. તેમણે રેખાંકિત કર્યું હતું કે, તેઓ રાજ્યના વડા અને કમાન્ડર-ઇન-ચીફના કટ્ટર સમર્થક અને સૈનિક છે. તેઓ માતૃભૂમિ માટે લડત ચાલુ રાખવા તૈયાર છે.


વ્લાદિમીર પુતિને રાષ્ટ્રને નામ કર્યું સંબોધન 


24 જૂને રશિયા સામે બળવો કર્યા બાદ વેગનર ચીફના લડવૈયાઓએ મોસ્કો તરફ કૂચ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ માત્ર 200 કિલોમીટરના અંતરે જ હતા. બળવાના સમાચાર મળતાં જ વ્લાદિમીર પુતિન એલર્ટ થઈ ગયા હતાં અને તેમણે તરત જ મોસ્કોની સડકો પર સેનાને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. આ સમય દરમિયાન મોસ્કોની શેરીઓમાં ટેંકો તૈનાત કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ6 અને વેગનર ચીફને દેશદ્રોહી ગણાવ્યો અને તેણે તેની પીઠમાં છરો ભોંક્યો હોવાનું ગણાવ્યું હતુ. 


https://t.me/abpasmitaofficial