રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે કહ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત વાટાઘાટોમાં યુક્રેન પર સમાધાન કરવા તૈયાર છે. નોંધનીય બાબત એ છે કે પુતિને કહ્યું છે કે યુક્રેનના અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરવા માટે તેમની કોઈ શરત નથી.






ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને ઝડપથી ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે પરંતુ તેમણે હજુ સુધી એ સમજાવ્યું નથી કે તેઓ યુદ્ધનો અંત કેવી રીતે કરશે. પુતિનનું આ મહત્વપૂર્ણ નિવેદન યુક્રેન યુદ્ધના લગભગ 34 મહિના પછી તેમના વાર્ષિક સવાલ-જવાબ કાર્યક્રમ દરમિયાન આવ્યું છે, જેમાં તેઓ સરકારી ટેલિવિઝન પર મીડિયા અને સામાન્ય લોકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.


પુતિન વાતચીત માટે તૈયાર છે


પુતિને એ વાતનો ઇનકાર કર્યો હતો કે રશિયા હાલમાં નબળી સ્થિતિમાં છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા પુતિને કહ્યું કે તેઓ ટ્રમ્પને મળવા માટે તૈયાર છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી.


આ દરમિયાન પુતિને કહ્યું હતું કે, 'અમે હંમેશા કહ્યું છે કે અમે વાતચીત અને સમાધાન માટે તૈયાર છીએ. રશિયા હાલમાં 2022થી વધુ મજબૂત સ્થિતિમાં છે જ્યારે યુક્રેન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રશિયન દળો યુક્રેનમાં તેમના પ્રાથમિક ઉદ્દેશ્યો હાંસલ કરવા આગળ વધી રહ્યા હોવા છતાં તેઓ વાતચીત અને સમાધાન માટે તૈયાર છે. પુતિને સ્વીકાર્યું કે યુક્રેનમાં લડાઈ જટિલ છે.


યુક્રેન અને પશ્ચિમી દેશોએ એક પ્રસ્તાવને ફગાવી દીધો છે


પુતિને વધુમાં કહ્યું હતું કે, "મને લાગે છે કે ટૂંક સમયમાં યુક્રેનિયન નાગરિકો જે લડવા માંગે છે તે ભાગી જશે. કોઇ પણ એવો બચશે નહી જે લડવા માંગતો હોય. અમે તૈયાર છીએ, પરંતુ બીજી બાજુએ પણ વાતચીત અને સમાધાન બંને માટે તૈયાર રહેવું જોઈએ."


પુતિને થોડા સમય પહેલા પણ કહ્યું હતું કે રશિયા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે મંત્રણા માટે તૈયાર છે, પરંતુ તેમણે તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો કે યુક્રેન ઉત્તર એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં જોડાવાની ઈચ્છા છોડી દે. જોકે, યુક્રેન અને પશ્ચિમી દેશોએ આ માંગણીઓ ફગાવી દીધી હતી.


ટ્રમ્પે આ વાત કહી હતી


નોંધનીય છે કે થોડા સમય પહેલા અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામની માંગ કરી હતી. પોતાના અંગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક પોસ્ટમાં સીરિયાની તાજેતરની સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે અસદ સત્તા ગુમાવી ચૂક્યા છે, ઘણા લોકોના મોત થયા છે, યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ થવો જોઈએ. રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેનમાં તેનું વિશેષ સૈન્ય અભિયાન શરૂ કર્યું અને ત્યારથી બંને દેશો યુદ્ધમાં વ્યસ્ત છે.


Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત