Russia Ukraine Conflict: એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 3 મહિનાથી વધુ સમય વિતી ગયો છે. હજુ સુધી યુદ્ધના અંતની કોઈ આશા નથી. આ યુદ્ધની વચ્ચે બુધવારે સ્પેનમાં યોજાયેલી નાટો સમિટમાં રશિયાની ધમકીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ સમિટનો વિરોધ કર્યો અને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ સૈન્ય ગઠબંધન યુક્રેન સંઘર્ષ દ્વારા પોતાનું 'પ્રભુત્વ' સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો નાટો ફિનલેન્ડ અને સ્વીડનમાં સૈનિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરશે તો અમે ચૂપ બેસીશું નહીં. અમે તેનો યોગ્ય જવાબ આપીશું.
પુતિન કેમ વિરોધમાં આવ્યા?
વાસ્તવમાં ફિનલેન્ડ અને સ્વીડન તાજેતરમાં જ નાટોમાં જોડાયા છે, જ્યારે એક દિવસ પહેલા તુર્કીએ સ્વીડન અને ફિનલેન્ડ નાટોમાં સામેલ થવા સામે પોતાનો વીટો પાછો ખેંચી લીધો હતો અને ત્રણેય દેશો એકબીજાને બચાવવા માટે સહમત થયા હતા. આ અંગે રશિયાના સરકારી ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં પુતિને કહ્યું હતું કે 'સ્વીડન અને ફિનલેન્ડ સાથે અમને યુક્રેન સાથે છે તેવી સમસ્યા નથી. જો તે બંને નાટોમાં જોડાવા માંગતા હોય, તો તેઓ જોડાઈ શકે છે.
જો નાટો સૈનિકો તૈનાત કરશે, તો તેઓ જવાબ આપશે
વ્લાદિમીર પુતિને કહ્યું કે સ્વીડન અને ફિનલેન્ડ માટે ભૂતકાળમાં કોઈ ખતરો નહોતો અને હજુ પણ નથી. પરંતુ જો નાટો અહીં તેની સૈન્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈનાત કરશે તો દરેક માટે મુશ્કેલી ઊભી થશે. અમે આ અંગે ચૂપ બેસીશું નહીં અને તેનો જવાબ આપીશું. તેમણે દાવો કર્યો હતો કે ફિનલેન્ડ અને સ્વીડન નાટોમાં સામેલ થવાથી હવે રશિયા સાથેના તેના સંબંધો પર અસર થશે. અમારી વચ્ચે હવે તણાવ પેદા થઇ શકે છે.
'રશિયા સૌથી મોટો ખતરો છે'
બીજી તરફ નાટો સમિટમાં સૈન્ય ગઠબંધને કહ્યું કે અમારા સભ્યોની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો રશિયાથી જ છે. નોંધનીય છે કે બુધવારે મેડ્રિડમાં 30 દેશોના આ સંગઠનની બેઠક બોલાવવામાં આવી હતી.