USCIRF Report On Religious Freedom: યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવાધિકારોને લઈને સવાલ ઉભા કર્યા છે.  USCIRFએ કહ્યું હતું કે, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અને સંબંધિત માનવ અધિકારો સતત જોખમમાં છે. 


પેનલે આ વર્ષની શરૂઆતમાં પોતાની ભલામણોને ફરી એકવાર દોહરાવતા કહ્યું હતું કે, અમેરિકાએ ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનમાં શામેલ થવા કે સહન કરવાને લઈને ભારતને "વિશેષ ચિંતાના દેશ" તરીકે સૂચિબદ્ધ કરવું જોઈએ.


પેનલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, 2022 માં રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે સરકારોએ એ નીતિઓને પ્રોત્સાહન આપ્યું જે ધર્મ પરિવર્તન, આંતર-ધાર્મિક સંબંધો અને ગૌહત્યાને લક્ષ્યાંકિત કરે છે. જેમણે મુસ્લિમો, ખ્રિસ્તી, શીખ, દલિતો અને આદિવાસીઓને નકારાત્મક અસર પહોંચાડી છે. રાષ્ટ્રીય સરકારે ટીકાકારોના અવાજને દબાવવાનું યથાવત રાખ્યું છે. સરકારે યુએપીએ અને ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટના ઉપયોગને ટાંકી મહત્વપૂર્ણ અવાજોને ખાસ કરીને ધાર્મિક અલ્પસંખ્યકો અને તેમની તરફેણ કરનારાઓને હાંસિયા પર ધકેલવાનું યથાવત રાખ્યું છે. 


ભાજપના નેતૃત્વવાળી સરકારો પર લગાવ્યો આ આરોપ 


કમિશને તેના અહેવાલમાં જણાવ્યું હતું ક, ભાજપના નેતૃત્વવાળી સરકાર અને નેતાઓએ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરે સાંપ્રદાયિક નીતિઓને પ્રોત્સાહન આપે છે. તેણે ભારતને એક હિન્દુ રાજ્ય તરીકે સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી જે ભારતના બિનસાંપ્રદાયિક પાયાની વિરુદ્ધ છે અને ભારતની ધાર્મિક લઘુમતીઓ માટે ગંભીર ખતરો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારી અધિકારીઓ અને બિનસરકારી તત્વોએ લઘુમતીઓ વિરુદ્ધ નફરત ફેલાવવા અને પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું પણ યથાવત રાખ્યું છે.


રિપોર્ટમાં હિજાબ અને CAA વિશે શું કહ્યું?


કમિશને કર્ણાટક સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ અને આ મામલે થયેલા વિરોધનો પણ ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રતિબંધને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ધાર્મિક તણાવ વધુ ઘેરો બનવાની શક્યતા છે. વધુમાં અહેવાલમાં જણાવાયું છે કે, આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને કારણે વંશીય આસામી હિન્દુઓ અને બંગાળી મૂળના મુસ્લિમો વચ્ચે તણાવ વધ્યો છે.


ભારતે આપ્યો હતો જોરદાર જવાબ


ભારતે જુલાઈમાં કમિશનના તારણોને પક્ષપાતી અને ખોટા ગણાવી તેને નકારી કાઢ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ટિપ્પણીઓ ભારત અને તેના બંધારણીય માળખા, તેની વિશાળતા અને તેના લોકતાંત્રિક વ્યવસ્થાની સમજણના ભારે અભાવને છતો કરે છે. ચિંતાજનક બાબત એ છે કે, USCIRF તેના પ્રેરિત એજન્ડાના ભાગરૂપે પોતાના નિવેદનો અને અહેવાલોમાં તથ્યોને વારંવાર ખોટી રીતે રજૂ કરવાનું યથાવત રાખે છે.